નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. બીજેપી કુલ 70 માંથી માત્ર 7 સીટો પર સમેટાતી નજર આવી રહી છે. પાર્ટીની હાર બાદ દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. તે દરમિયાન તેમણે આમ આદમી પાર્ટને પ્રચંડ જીત પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવી હતી. સાથે તેમણે કહ્યું કે, અમે હારની સમીક્ષા કરીશું. આ ઉપરાંત તેઓએ કહ્યું કે અમે નફરતની રાજનીતિ નથી કરતાં, સૌનો સાથ-સૌનો વિકાસ અમારો મંત્ર છે. અમે નથી ઈચ્છતા કે 60 દિવસ સુધી લોકોનો રસ્તો રોકાઈ.

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ વિધાનસભા ચૂંટણી પરિણામનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ટ્વીટ કરીને દિલ્હીના મતદાતાઓનો આભાર માન્યો છે અને કેજરીવાલને શુભેચ્છા પાઠવી હતી.


મનોજ તિવારીએ કહ્યું કે, અમે ચૂંટણી પર હારની સમીક્ષા કરીશું અને હારના કારણોનું મંથન કરીશું. જ્યારે પરિણામ આશા પ્રમાણે નથી આવતા ત્યારે નિરાશ થવાઈ છે પરંતુ ભાજપ તેનાથી પણ આગળનું વિચારશે.

મનોજ તિવારીએ વોટના ટકાવારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમારા વોટની ટકાવારી 32 થી વધીને 38 ટકા થઈ છે. તેઓએ કહ્યું કે, અમે ખૂબ મહેનત કરી છે. દિલ્હીએ સમજી વિચારીને જનાદેશ આપ્યો હશે.
ઉલ્લેખનીય છે કે, 8 ફેબ્રુઆરીએ મતદાનના બાદ એગ્ઝિટ પોલના આંકડા આવ્યા બાદ મનોજ તિવારીએ દાવો કર્યો હતો કે ભાજપ 48 સીટ પર જીતશે અને સરકાર બનાવશે પરંતુ તેનાથી વિપરીત પરિણામો આવ્યા છે.


ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે સાંજે 6.22 કલાક સુધીમાં દિલ્હીની 70 પૈકી 42 સીટના પરિણામ જાહેર થયા છે. જેમાં આમ આદમી પાર્ટી(AAP)નો 38 અને 4 સીટ પર ભાજપ(BJP)નો વિજય થયો છે. જ્યારે 24 પર આમ આદમી પાર્ટી લીડમાં છે, ભાજપ 4 બેઠક પર આગળ છે.