દિલ્હીની લિકર પોલિસી અને તેનાથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે અરવિંદ કેજરીવાલની સ્વાસ્થ્યના કારણોસર દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. સ્વાસ્થ્યને ટાંકીને કેજરીવાલે તપાસ માટે સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા.
કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરતી વખતે તપાસ એજન્સી EDએ કહ્યું હતું કે કેજરીવાલ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. EDનો આરોપ છે કે સતત પ્રચાર કરી રહેલા કેજરીવાલની તબિયત જ્યારે સરેન્ડર કરવાનો સમય આવ્યો ત્યારે બગડી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો જે આજે બુધવારે સંભળાવવામાં આવ્યો હતો.
બુધવારે કેજરીવાલ તેમની અરજી પર નિર્ણય સાંભળવા માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. ચુકાદો આપતી વખતે રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 14 દિવસ વધારી દીધી છે, એટલે કે હવે કેજરીવાલને 19 જૂન સુધી જેલમાં રહેવું પડશે. કોર્ટે સંબંધિત અધિકારીઓને જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવાના નિર્દેશ આપ્યા છે. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ તિહાર જેલના અધિકારીઓને ન્યાયિક કસ્ટડીમાં કેજરીવાલની તબીબી જરૂરિયાતોનું ધ્યાન રાખવાનો નિર્દેશ આપ્યો છે.
હવે કેજરીવાલના વકીલોએ સંકેત આપ્યા છે કે સ્પેશિયલ કોર્ટના આદેશને ટૂંક સમયમાં દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. વિશેષ અદાલતના નિર્ણયનો અભ્યાસ કર્યા બાદ અરજી દાખલ કરવામાં આવશે.
નોંધનીય છે કે કેજરીવાલને 55 દિવસ બાદ 10 મેના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. આ પછી તે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. 21 માર્ચે તેમની ધરપકડ બાદ તે 10 દિવસ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં હતા. આ પછી 1 એપ્રિલે કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા હતા. તેઓ તિહારમાં 39 દિવસ રહ્યા હતા પરંતુ વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ તેઓ તિહાર જેલમાં ગયા અને 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું.