નિર્ભયાના ગુનેગારોએ ફાંસીની સજા ટાળવા માટે તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કર્યો છે. દોષિત વિનયે ફાંસી પર રોક લગાવવાની માંગ કરી હતી. પટિયાલા હાઉસ કોર્ટમાં ગુરુવારે વિનય તરફથી દાખલ અરજીમાં રાષ્ટ્રપતિ પાસે દયા અરજી પેન્ડિંગ હોવાના કારણે ફાંસી પર રોક લગાવવાની માંગ કરાઇ હતી.
સુનાવણી દરમિયાન વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે, આ મામલામાં ફાંસી અલગ અલગ આપી શકાય નહીં. નિયમ અનુસાર, કોઇ પણ એક મામલામાં દોષિતોને અલગ અલગ ફાંસી આપી શકાતી નથી જ્યાં સુધી તમામ દોષિતોની તમામ અરજીઓનો ઉકેલ લાવી દેવામાં ના આવે.
વકીલ વૃંદા ગ્રોવરે 1981ના એક કેસનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ત્રણ લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી. આ મામલામાં બે લોકોએ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી હતી અને જેમને રાષ્ટ્રપતિએ માફ કરી દીધા હતા પરંતુ એક દોષિતે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી નહોતી જેને કારણે તેને ફાંસી આપી દેવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોઇ એક મામલામાં ફાંસી તમામ દોષિતોને એક સાથે જ આપવામાં આવશે.
નિર્ભયાના પરિવારના વકીલ સીમાએ કહ્યું કે, વૃંદા ગ્રોવર આ મામલામાં મુકેશ તરફથી રજૂ થઇ રહી છે કે પછી એમિક્સ ક્યૂરી તરીકે રજૂ થઇ રહી છે. જો મુકેશ તરફથી રજૂ થઇ રહી છે તો તેને સાંભળવા ના જોઇએ કારણ કે તેની તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી ચૂકી છે અને જો એમિક્સના રૂપમાં રજૂ થઇ રહી છે તો તે ફાંસીનો વિરોધ કેવી રીતે કરી શકે છે કારણ કે એમિક્સનું કામ કોર્ટને આસિસ્ટ કરવાનું છે.
નિર્ભયાના વકીલ સીમાએ કહ્યું હતું કે, તમામ દોષિતો આ મામલાને લાંબો ખેંચવામાટે સતત પ્રયાસો કરી રહ્યા છે. આ લોકોએ ત્યાં સુધી કોઇ અરજી કરી નહોતી જ્યાં સુધી પટિયાલા હાઉસ કોર્ટે આ મામલામાં ડેથ વોરંટ જાહેર કર્યું નહોતું.