નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 6 કલાકની લાંબી રાહ જોયા બાદ મંગળવારે નવી દિલ્હી સીટ પરથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. સીએમ કેજરીવાલને ચૂંટણી પંચના કાર્યાલયમાં 6 કલાક જેટલી રાહ જોવી પડી હતી. જો કે, આમ આદમી પાર્ટીએ તેને કાવતરુ ગણાવતા પૂછ્યું કે શું આપણે ક્યારે કોઈ સીએમને આ રીતે રાહ જોતા જોયા છે ?


દિલ્હીના ઉપ મુખ્યમંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, “બીજેપીવાળા ! ગમે તે ચાલ રમી લો! અરવિંદ કેજરીવાલને ઉમેદવારી ફોર્મ ભરવાથી રોકી નહી શકો અને ના તો ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનતા.. તમારી ચાલ સફળ નહીં થાય.”


આ પહેલા અરવિંદ કેજરીવાલ પોતાનું ઉમેદવારી ફોર્મ સોમવારે ભરવાના હતા, પરંતુ રોડ શો દરમિયાન મોડું થતાં તેઓ ફોર્મ ભરી શક્યા નહતા.

ઉમેદવારી ફોર્મ ભરવામાં મોડું થવાને લઈ સીએમ કેજરીવાલે પણ ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે રાહ જોઈ રહ્યો છું. મારો ટોકન નંબર 45 છે. અહીં ઉમેદવારી માટે અનેક લોકો છે. મને ખુશી છે કે આટલા બધા લોકો લોકતંત્રમાં ભાગીદારી કરી રહ્યાં છે. ”

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નવી દિલ્હી સીટ પરથી કૉંગ્રેસના રોમેશન સભરવાલને અને ભાજપે દિલ્હી પ્રદેશ યુવા મોર્ચાના અધ્યક્ષ સુનીલ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર 8 તારીખે મતદાન યોજાશે. જ્યારે પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે.