નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસ ગઠબંધનને ફરી એક વખત જોરદાર ઝાટકો લાગ્યો છે. પાર્ટી એક પણ સીટ પર જીત મેળવી ન શકી. ઉપરાંત 70 વિધાનસભા સીટ પર કોંગ્રેસ ગઠબંધનના 67 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 4 સીટ આરજેડીને આપી હતી. નોંધનીય છે કે, કોંગ્રેસ દિલ્હીમાં સતત 15 વર્ષ સરકાર ચલાવી ચૂકી છે.


જે ત્રણ સીટો પર કોંગ્રેસ ડિપોઝિટ બચવાવવાના સફળ રહી છે તે સીટ ગાંધીનગર, બાદલી અને કસ્તૂરબા નગર છે. જ્યારે ચાંદની ચૌકથી ધારાસભ્ય અલકા લાંબા પણ પોતાની ડિપોઝિટ બચાવી ન શકી. અલકા આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ હતી.

નોંધનીય છે કે, કારમી હારનો સામો કરનારી કોંગ્રેસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અભિનંદ પાઠવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે, તે જનાદેશ સ્વીકાર કરે ચે અને રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટીના નવનિર્માણનો સંકલ્પ કરે છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમીટીના અધ્યક્ષ સુભાષ ચોપરાએ હારની નૈતિક જવાબદારી સ્વીકારી છે અને ભાજપ અને આમ આદમી પાર્ટી પર ધ્રુવીકરણનો આરોપ લગાવ્યો.

તમને જણાવી દઈએ કે, 2015માં થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસે ખરાબ પ્રદર્શન કર્યું હતું. ચૂંટણી પરિણામમાં કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ ગઈ હતી. તે સમયે આમ આદમી પાર્ટીએ 67 સીટો પર જીત મેળવી હતી, જ્યારે બીજેપીના ખાતામાં માત્ર ત્રણ સીટો આવી હતી.