નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ત્રીજી વખત દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. પ્રશાંત કિશોરે ટ્વિટ કરી દિલ્હીની જનતાનો આભાર માન્યો છે. અરવિંદ કેજરીવાલે તેમને ચૂંટણીની રણનીતિ બનાવવાની કામગીરી સોંપી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ બંનેએ ગળે મળતા હોય તેવી તસવીર પણ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીતની ક્રેડિટ અરવિંદ કેજરીવાલને જાય છે. પાણી, વિજળી, મોહલ્લા ક્લિનિકથી લઈને સ્કૂલમાં થયેલા તેમના કામોની સતત ચર્ચાઓ રહી. પરંતુ કામ કરી ગયો પ્રશાંત કિશોરનો આઈડિયા. એ આઈડિયા કે ભાજપની હિંદુત્વની ગેમમાં ન ફસાવું.


આ જ કારણ રહ્યું કે સારા કામો કરવા છતાં પણ અરવિંદ કેજરીવાલે હનુમાન ચાલીસા વાંચવા પડ્યા. બજરંગબલીના મંદિરમાં માથુ ટેકવ્યું. આ વખતની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. હનુમાન ભક્તવાળો. ઘરણા પ્રદર્શનના એક્સપર્ટે શાહીનબાગ ન જવાની કસમ ખાઈ લીધી. જાવાનું તો દૂર, શાહીનબાગના નામથી પણ તેમણે અંતર રાખ્યું. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું હુ શાહીનબાગ સાથે છું નિવેદન પણ તેમને પસંદ ન આવ્યું. આમ આદમી પાર્ટીની બેઠકમાં નક્કી થયું કે કોઈ શાહીનબાગની ચર્ચા નહી કરે. છતાં પણ નાના મોટા નેતાઓ આનાથી બચતા રહ્યા. ભાજપના ઉકસાવા બાદ પણ કેજરીવાલની ટીમ આ ચક્કરમાં ન ફસાઈ.

શાહીનબાગના કારણે સામ્પ્રદાયિક ધ્રુવીકરણ કરવાની ભાજપની કોશિશ બેકાર રહી. અમિત શાહથી લઈને કપિલ મિશ્રા સુધીએ શું-શું કહ્યું. આપના નેતાઓએ એક કાનથી સાંભળી બીજા કાનથી બહાર કાઢ્યું. પ્રશાંત કિશોર નહોતા ઈચ્છતા કે ભાજપની હિંદુત્વની પિચ પર આવીને કેજરીવાલ બેટિંગ કરે. આપના જે નેતાઓને કારણે બાજી બગડી શકતી હતી તેમને સાઈલેન્ટ કરી દેવામાં આવ્યા. અમાનતુલ્લાહ અને શોએબ ઈકબાલ જેવા મુસ્લિમ નેતાઓને શાંત રહેવાનું કહેવામાં આવ્યું. કોશિશ એ રહી કે ક્યાંથી પણ ધ્રુવિકરણને હવા ન મળે.

દિલ્હીની જેમ પાંચ વર્ષ પહેલા બિહારમાં પણ ચૂંટણી હતી. લાલૂ યાદવ અને નીતીશ કુમારની જોડી સાથે ભાજપનો સીધો મુકાબલો હતો. ત્યારે લાલૂ યાદવ અને નીતીશ સાથે પ્રશાંત કિશોર હતા. ભાજપ તરફથી ત્યારે હિંદુસ્તાન અને પાકિસ્તાન કરાવવાનો પ્રયાસ થયો હતો. હિંદુ મુસલમાનનો માહોલ બની જાય એટલા માટે ભાજપે ખૂબ જોર લગાવ્યું. . પાર્ટી તરફથી એમ પણ કહેવામાં આવ્યું કે ભાજપ હારશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. પરંતુ લાલૂ અને નીતીશ બસ સામજિક ન્યાયમાં એજન્ડા પર વાત કરતા રહ્યા. બંને પાર્ટીઓના મુસ્લિમ નેતાઓને ચૂંટણી પ્રચારમાંથી હટાવી લેવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું કે એ પ્રકારનું કોઈ નિવેદન ન આપો જેનાથી સાંમ્પ્રદયિક માહોલ બગડે. આ રણનીતિ પ્રશાંત કિશોરની હતી. પ્રશાંત પોતાની આ ચાલમાં સફળ રહ્યા. આ ફોર્મ્યૂલા આ વખતે દિલ્હી ચૂંટણીમાં પણ સફળ રહ્યો.