Delhi Liquor Scam Case:  સીબીઆઈએ દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂછપરછ દરમિયાન સહકાર ન આપવા બદલ રવિવારે (26 ફેબ્રુઆરી) દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. હવે સિસોદિયાએ તેમની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.






તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસને આ મામલે જલદી સુનાવણી કરવા વિનંતી કરી હતી. જેના પર CJIએ કહ્યું હતું કે તેઓ હાઈકોર્ટમાં જાય અથવા અન્ય કાયદાકીય વિકલ્પો અપનાવે. જોકે, એડવોકેટ સિંઘવીની વિનંતી પર ચીફ જસ્ટિસે થોડા સમય પછી સુનાવણી કરવાની વાત કરી હતી.


બીજી તરફ સીબીઆઈએ મનીષ સિસોદિયાની પૂછપરછ શરૂ કરી દીધી છે. સીબીઆઈએ સિસોદિયા માટે પ્રશ્નોની લાંબી યાદી તૈયાર કરી છે. ધરપકડ બાદ સિસોદિયાની આ પહેલીવાર પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈએ ફરી એકવાર નવેસરથી તપાસ શરૂ કરી છે.


AAP અને BJP આમને-સામને


સિસોદિયાને સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, સીબીઆઈએ કોર્ટમાં દલીલ કરી હતી કે સિસોદિયા તપાસમાં સહકાર આપી રહ્યા નથી, તેથી કસ્ટોડિયલ પૂછપરછની જરૂર છે. જેને સ્વીકારીને કોર્ટે સિસોદિયાને 5 દિવસના CBI રિમાન્ડ પર મોકલી દીધા છે.


બીજી તરફ સિસોદિયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ દિલ્હી સહિત સમગ્ર દેશમાં જોરદાર વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે કે દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામ કરનારા સિસોદિયાને ભાજપ સરકાર ખોટા આરોપમાં ફસાવી રહી છે. આ સાથે જ ભાજપે સિસોદિયાને કટ્ટર ચીટર ગણાવ્યા છે.


શું છે સમગ્ર મામલો?


નવી લિકર પોલિસી 17 નવેમ્બર 2021 ના ​​રોજ દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી હતી. દિલ્હી સરકારે નવી લિકર પોલિસી લાવીને માફિયા શાસનનો અંત લાવવાની દલીલ કરી હતી. જુલાઈ 2022માં દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને આ મામલે રિપોર્ટ સોંપ્યો હતો. આમાં, એક્સાઇઝ પોલિસીમાં ગરબડની સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ રવિવારે આ કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી.


સીબીઆઈએ જણાવ્યું હતું કે નવી લિકર પોલિસીમાં કથિત અનિયમિતતાના મામલાની તપાસ માટે નાયબ મુખ્યમંત્રી અને પ્રભારી આબકારી મંત્રી અને અન્ય 14 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. 19 ફેબ્રુઆરી 2023 ના રોજ નાયબ મુખ્યમંત્રીને તપાસમાં સહકાર આપવા માટે CrPC ની કલમ 41-A હેઠળ નોટિસ જાહેર કરવામાં આવી હતી. જોકે, તેમણે વ્યસ્તતાને ટાંકીને એક સપ્તાહનો સમય માંગ્યો હતો. તેમની વિનંતી પર ફરીથી નોટિસ આપવામાં આવી હતી. જો કે, આ દરમિયાન તેણે ઉદ્ધત જવાબો આપ્યા હતા અને તપાસમાં સહકાર આપ્યો ન હતો. જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે.