Delhi Liquor Scam: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સમસ્યા ઓછી થવાનું નામ લઇ રહી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત CBI કેસમાં મુખ્યમંત્રી કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે. હવે સુનાવણી 8 ઓગસ્ટે થશે. તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કેજરીવાલ રજૂ કરાયા હતા. સીબીઆઈએ તિહાર જેલમાંથી જ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી.










મનીષ સિસોદિયા અને કે.કવિતાની ન્યાયિક કસ્ટડીમાં પણ વધારો થયો


સીએમ કેજરીવાલ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે. કવિતા પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 જુલાઈ સુધી અને કે. કવિતાની ન્યાયિક કસ્ટડી 31 જુલાઈ સુધી લંબાવી છે.


મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને મળી ચૂક્યા છે વચગાળાના જામીન


નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે અને CBI કેસ સાથે સંબંધિત જામીન અરજી દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.


સીબીઆઈએ એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંબંધિત ગેરરીતિઓમાં દિલ્હીના મુખ્યપ્રધાને 'મુખ્ય કાવતરાખોરોમાંથી એક' ગણાવ્યા છે. એજન્સીએ દાવો કર્યો છે કે AAPના ભૂતપૂર્વ મીડિયા પ્રભારી અને કેજરીવાલના નજીકના સહયોગી વિજય નાયર ઘણા દારૂ ઉત્પાદકો અને વેપારીઓના સંપર્કમાં હતા.


બીજી તરફ, કોર્ટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને BRS નેતા કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. બંને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા.  દિલ્હી હાઈકોર્ટે 17 જુલાઈના રોજ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો જેમાં એક્સાઈઝ પોલિસી બાબત સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તેમની ધરપકડને પડકારવામાં આવ્યો હતો.


કેજરીવાલે તેમની ધરપકડને ગેરકાયદે ગણાવી છે. સીબીઆઈએ કહ્યું કે કાયદા હેઠળ સંપૂર્ણ પુરાવા ઉપલબ્ધ થયા બાદ જ ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પરનો આદેશ પણ અનામત રાખ્યો છે.