Delhi Covid Restriction: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વખત કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં કોરોના કેસ ફરીથી 500ને પાર થઈ ગયા છે અને પોઝિટિવિટી રેટ 7 ટકાને વટાવી ગયો છે. કોરોનાના મામલા વધતાં દિલ્હીમાં ફરીથી કોરોના પ્રતિબંધો લગાવવામાં આવે તેવી શક્યતા છે. કોરોનાના વધતા કેસના કારણે બુધવારે ડીડીએમએની બેઠક મળશે. જેમાં પ્રતિબંધોને લઈ મોટો ફેંસલો લેવામાં આવી શકે છે. રિપોર્ટ મુજબ દિલ્હીવાસીઓને ફરીથી માસ્ક પહેરવું પડી શકે છે. કોરોના કેસ ઘટતા કેજરીવાલ સરકારે થોડા દિવસો પહેલા માસ્ક મરજીયાત કરી દીધું હતું.
આ દરમિયાન દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ સંકેત આપ્યો કે, કોરોનાના મામલા આ રીતે વધતા રહેશે તો કડક પ્રતિબંધ લગાવવામાં આવશે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં મનીષ સિસોદીયાએ જણાવ્યું, આપણે કોરોના સાથે જીવતાં શીખવું પડશે. જો આ રીતે કોરોના કેસ વધતા રહેશે તો અમે કડક કાર્યવાહી કરીશું. હાલ ગભરાવાની જરૂર નથી. 20 એપ્રિલે વિશેષજ્ઞો અને ડીડીએમએ સાથે બેઠકમાં નિર્ણય લેવાશે.
આ મુદ્દે થઈ શકે છે ચર્ચા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું, બુધવારે ડીડીએમએની મહત્વપૂર્ણ બેઠકમાં સ્કૂલના બાળકો માટે ફેસ માસ્કનો ફરજિયાત ઉપયોગ અને ઓફલાઈન-ઓનલાઈન શિક્ષણ માટે હાઇબ્રિડ મોડ પર ચર્ચા થવાની સંભાવના છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલની અધ્યક્ષતમાં યોજાનારી બેઠકમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરાશે.
ફેસ માસ્કનો ઉપયોગ ન કરવા પર દંડ લગાવવાની થઈ શકે છે ચર્ચા
રિપોર્ટ મુજબ, ચાલુ મહિનાની શરૂઆતમાં ડીડીએમએ દ્વારા 500 રૂપિયાનો દંડ પરત લીધા બાદ દિલ્હીમાં લોકો દ્વારા માસ્કનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ કોરોનાના વધતા કેસને જોતા માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવા અને માસ્ક નહીં પહેરવા બદલ દંડ લગાવવાની ચર્ચા થઈ શકે છે.
ઉત્તરપ્રદેશ સરકારે સોમવારે રાજધાની લખનઉ, નોયડા અને ગાઝિયાબાદ સહિત છ એનસીઆર જિલ્લામાં જાહેર સ્થળોએ લોકો માટે ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યુ છે.