નવી દિલ્લી : આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં રેલી યોજી રહ્યા છે ત્યારે દિલ્લીની પોલીસ ટીમને દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબ સિંહની ધરપકડ કરવા માટે મોકલવામાં આવી છે. પૈસા વસુલી મામલે તપાસમાં સહયોગ ન આપવાના કારણે મટિયાલાથી આપના ધારાસભ્ય ગુલાબ સિંહ વિરૂધ્ધમાં બીન જામીન પાત્ર વોરંટ ઈશ્યું કરવામાં આવ્યું છે. ગુલાબ સિંહ હાલ પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી તરીકે કામગીરી કરી રહ્યા છે. ગુલાબ સિંહના ડ્રાઈવરની ગયા મહિને જ આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. બીન જામીન પાત્ર વોરંટ નીકળતા ગુલાબ સિંહે કહ્યું કે આપની સુરત રેલીને રોકવા માટેની કોશિશ કરવામાં આવે છે, પરંતુ અમે ડરવાના નથી.


મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વોરંટ ઈશ્યું થતા સવાલો ઉઠાવ્યા હતા. કેજરીવાલે ટ્વીટ કરતા લખ્યું હતું કે 16 ઓક્ટોબરની સુરત રેલી પહેલા ધારાસભ્યની ધરપકડ કરવામાં આવશે. વધુ એક ટ્વીટમાં કેજરીવાલે લખ્યું કે અમારી ગુજરાત રેલીના બે દિવસ પહેલા જ દિલ્લી પોલીસે એક ખોટા કેસમાં અમારા ધારાસભ્ય વિરૂધ્ધ વોરંટ ઈશ્યું કર્યું છે. તેમની વિરૂધ્ધ જે વોરંટ જાહેર કરાયું છે તેમાં તે પોતે સામેલ નથી પરંતુ તેનો ડ્રાઈવર સંકળાયેલો છે.