નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે 12 ખેડૂત નેતાઓને નોટિસ આપી આજે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પૂછપરછ માટે બોલાવ્યા છે, જો કે, પોલીસની આ નોટિસનો ખેડૂત નેતાએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. દિલ્હી પોલીસના સૂત્રો અનુસાર ક્રાઈમ બ્રાન્ચ આ નેતાઓ સાથે દિલ્હીમાં થયેલી હિંસાને લઈને પૂછપરછ કરવા માંગે છે.


ક્રાઈમ બ્રાન્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈત, બૂટા સિંહ બુર્જગિલ, દર્શન પાલ સિંહ, શમશેર પંધેર અને સતનામ પન્નુ સહિત 12 નેતાઓને તપાસમાં સામેલ થવા માટે નોટિસ જાહેર કરી છે.

હિંસાની તપાસને લઈને ફોરેન્સિક એક્સપર્ટ ટીમ ગાઝીપુર બોર્ડર પર પહોંચી છે. દિલ્હી પોલીસે ફોરેન્સિક ટીમને તોડફોડની તપાસને લઈને ફોરેન્સિક ટીમ પાસે સેમ્પલ એકઠા કરવાની ભલામણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સિંઘુ બોર્ડર પર કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની તલવારબાજીમાં દિલ્હીના અલીપૂરના એસએચઓ પ્રદીમ પાલીવાલ ઘાયલ થઈ ગયા છે. આજે સિંઘુ બોર્ડર પર કેટલાક સ્થાનીક લોકો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.