નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસૈન વિરુદ્ધ હત્યા અને હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે તાહિર હુસૈન અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યા, આગ લગાવવી અને હિંસા ફેલાવવાનો કેસ દાખલ કર્યો છે. તે સિવાય પોલીસે તાહિરના ઘરને સીલ કરી દીધું છે. કેસ દયાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચ આ કેસની તપાસ કરશે.હત્યાનો કેસ દાખલ થયા બાદ આમ આદમી પાર્ટીએ હુસૈનને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે.


નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે હિંસામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે. દિલ્હી હિંસામાં મોતને ભેટેલા લોકોની સંખ્યા 38 થઇ છે જ્યારે 364 લોકો ઘાયલ થયા છે.


પોલીસે ખજૂરી વિસ્તારમાં આવેલા તાહિરના મકાનને સીલ કરી દીધુ છે. હુસૈનના ઘરની છત પરથી પેટ્રોલ બોમ્બ, પથ્થરો, ગીલોલ અને એસિડ મળી આવ્યું હતું. તાહિર હુસૈન પર આઇબીના અધિકારી અંકિત શર્માની હત્યાનો પણ આરોપ છે. હુસૈન વિરુદ્ધ ત્રણ ફરિયાદો નોંધવામાં આવી છે.


આ અગાઉ હિંસાના આરોપો પર તાહિર હુસૈને કહ્યુ કે, તેને ફસાવવામાં આવી રહ્યો છે. તાહિરે કહ્યું કે, કપિલ મિશ્રા અને વારિસ પઠાણ જેવા લોકોના ભડકાઉ નિવેદન જવાબદાર છે. આની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. પોલીસ તપાસમાં તે સહયોગ આપશે તેવી વાત કરી હતી. આ સાથે આપ નેતાએ કહ્યું કે, તેના જીવને ખતરો છે.