નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બે સંદિગ્ધ આતંકીઓની ગઈ કાલે મોડી રાતે લાલ કિલ્લા નજીકથી ધરપકડ કરી છે. બન્ને આતંકીઓ કાશ્મીરના છે અને કથિત રીતે તેઓ કાશ્મીરના આઈએસ વિંગ સાથે જોડાયેલા છે. પોલીસે કરેલા દાવા અનુસાર, ધરપકડ કરેલા સંદિગ્ધ આતંકીઓમાંથી એક પરવેઝનો ભાઈ ફિરદોજ આ વર્ષે જ જાન્યુઆરીમાં સુરક્ષાદળે એનકાઉન્ટરમાં ઠાર માર્યો હતો.
દિલ્હી પોલીસના ડીસીપીએ(સ્પેશિયલ સેલ) કહ્યું, “દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે જામા મસ્જિદ બસ સ્ટેન્ડ પરથી બે આતંકીઓને મોડી રાત્રે ધરપકડ કરી હતી. તેમની પાસેથી બે પિસ્તોલ, 10 કારતૂસ અને ચાર મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. બન્નેએ હથિયાર ઉત્તર પ્રદેશથી લીધા હતા અને કાશ્મીર જઈ રહ્યા હતા. આ હથિયારોનો ઉપયોગ આતંકી ગતિવિધિઓમાં કરવાના હતા.”
ધરપકડ કરેલા આતંકીઓનું નામ પરવેઝ અને જમશેદ છે. બન્ને ઇસ્લામિક સ્ટેટ જમ્મુ-કાશ્મીરના સભ્ય છે. પરવેઝના ભાઈ ફિરદોજ આ વર્ષે જ જાન્યુઆરીમાં સુરક્ષાદળે ઠાર માર્યો હતો. પહેલા તે હિજ્બુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો હતો અને બાદમાં ઇસ્લામિક સ્ટેટ જમ્મુ-કાશ્મીર સાથે.
અધિકારીએ કહ્યું કે, આતંકીઓ દિલ્હીમાં કોઈ પણ હુમાલો કરવાની ફિરાકમાં નહતા. તેઓ માત્ર દિલ્હી થઈને જઈ રહ્યા હતા. આંતકીઓએ જણાવ્યું કે ઇસ્લામિક સ્ટેટ જમ્મુ-કાશ્મીરના નેતા ઉમર ઇબ્ન નજીર અને આદિલ ઠોકર છે. અમે આદિલના આદેશ પર કામ કરી રહ્યા હતા.