નવી દિલ્હીઃ  દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર કૃષિ કાનૂના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ લાલ કિલ્લામાં જઈને હિંસા કરી હતી. આ હિંસાનો માસ્ટર માઇન્ડ એક્ટર દીપ સિંહ સિદ્ધુ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જે બાદ પોલીસ તેને પકડવા આકાશ પાતાળ એક કરતી હતી અને તેના માથે ઈનામની પણ જાહેરાત કરી હતી. જોકે આજે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તેની ધરપકડ કરી હોવાનું ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વીટ કરીને જણાવ્યું છે. જોકે તે દિલ્હીથી ભાગીને ક્યાં જતો રહ્યો હતો અને ક્યાંથી પકડાયો તે મુદ્દે પોલીસે હાલ કંઈ જણાવ્યું નથી.

કોણ છે દીપ સિદ્ધુ

લોકસભા ચૂંટણીમાં દીપ સિદ્ધુએ ગુરદાસપુર બેઠક પરથી ભાજપ સાંસદ અને બોલીવુડ અભિનેતા સન્ની દેઓલ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. દીપ સિદ્ધુ ખેડૂત આંદોલનમાં મહિનાથી સક્રિય છે. થોડા દિવસ પહેલા દીપને શિખ ફોર જસ્ટિસ  સાથે સંબંધોને લઇને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ નોટિસ પણ મોકલી હતી. દીપે ગત વર્ષે આંદોલન દરમિયાન કિસાન યુનિયનની લીડરશીપને લઇને સવાલ ઉભા કર્યા હતાં. આ દરમિયાન તેણે શંભુ મોર્ચા નામથી નવું ખેડૂત સંમેલન જાહેર કર્યું હતું. ત્યારે તેના મોર્ચાને ખાલિસ્તાન સમર્થિત ચેનલોએ સમર્થન આપ્યું હતું.



હિંસા બાદ લાપતા હતો સિદ્ધુ

26 જાન્યુઆરીએ હિંસા બાદ દીપ સિદ્ધુ લાપતા હતો.પરંતુ સિદ્ધુ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતો હતો. દિલ્હી પોલીસે હિંસા ફેલાવનારા લોકોની તસવીર પણ શેર કરી હતી.

વિદેશમાં બેઠેલી મહિલા મિત્ર કરતી હતી ફેસબુક અકાઉન્ટ હેન્ડલ

વિદેશમાં બેઠેલી કોઇ મહિલા મિત્ર દીપ સિદ્ધુના વીડિયો સમયાન્તરે ફેસબુક અપલોડ કરતી હતી. દીપ વીડિયો રેકોર્ડ કરીને આ મહિલાને મોકલતો હતો.. જેને તે ફેસબુક પર અપલોડ કરતી હતી. પોલીસને ગુમરાહ કરવા માટે દીપ આવું કરતો હતો.