નવી દિલ્હી: દિલ્હીના જાફરાબાદ અને મૌજપુર વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું છે અને ડીસીપી સહિત ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. સીએએના વિરોધમાં અને પક્ષમાં પ્રદર્શન કરી રહેલા લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. પ્રદર્શનકારીઓએ ઘણા વાહનો, ઘર અને દુકાનોમાં આગ લગાવી હતી. પેટ્રોલ પંપ પર પણ આગ લગાવવામાં આવી છે.

આ દરમિયાન ભજનપુરમાં એક પ્રદર્શનકારીને બંદૂક હાથમાં લઈને પોલીસકર્મીઓ સામે આગળ વધતો જોવા મળ્યો હતો. તેણે હવામાં કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. યુવકના ગોળીબારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી છે.

જાફરાબાદ, મૌજપુર,ચાંદબાગ અને ભજનપુરા વિસ્તારમાં પોલીસે ટિયરગેસના સેલ છોડી લાઠીચાર્જ પણ કર્યો હતો. ગોકુલપુરીમાં એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું છે. જ્યારે ડીસીપી અમિત શર્મા સહિત કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને હિંસાની ઘટનાને જોતા કુલ 9 મેટ્રો સ્ટેશન બંધ કરી દીધા છે. ડીએમઆરસી અનુસાર જાફરાબાદ, મૌજપર-બાબરપુર,ગોકલપુરી, જૌહરી એંક્લેવ, શિવ વિહાર, ઉદ્યોગ ભવન, પટેલ ચોક, કેંદ્રીય સચિવાલય અને જનપથ મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને બહાર જવાના રસ્તા બંધ કરવામાં આવ્યા છે.