નવી દિલ્હીઃલોકસભામાં કોગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તીને નિર્દોષ ગણાવવાને લઇને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, લોકસભામાં કોગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સુશાંત સિંહ રાજપૂતના મોત અને નશીલા પદાર્થના બિઝનેસમાં સંડોવણીની આરોપી રિયા ચક્રવર્તીને નિર્દોષ ગણાવીને બિહારની જનતા અને સુશાંતના લાખો પ્રશંસકોનું અપમાન કર્યું છે.
તેમણે કહ્યું કે, અધીર રંજન ચૌધરીનું આ નિવેદન મીડિયા અને દેશની તપાસ એજન્સીઓ પર અવિશ્વાસ કરનારું તો છે પણ સાથે સાથે બોલિવૂડમં સક્રીય ડ્રગ્સ માફિયાઓને પોલિટિકલ કવર આપનારું પણ છે. જે એક્ટ્રેસની લાંબી પૂછપરછ, ગુનાના પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદન બાદ ધરપકડ કરવામાં આવી છે તેને નિર્દોષ બંગાળી બ્રાહ્મણ મહિલા ગણાવીને કોગ્રેસ ન્યાય પ્રક્રિયાને જાતિ-ભાષા-લિંગના આધાર પર પ્રભાવિત કરવા માંગે છે. બિહાર પ્રદેશ કોગ્રેસને સુશાંત સિંહના પરિવાર પ્રત્યે લાગણી હોય તો તેઓએ ચૌધરીના નિવેદનનો વિરોધ કરવો જોઇએ.
નોંધનીય છે કે અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, એનસીબી તરફથી રિયા ચક્રવર્તીને એનડીપીએસ કાયદા હેઠળ ધરપકડ કરવી વાહિયાત છે અને તેના પિતાને ન્યાય માંગવાનો અધિકાર છે. સાથે તેમણે કહ્યું કે, રિયા એક બંગાળી બ્રાહ્મણ મહિલા છે. તેમણે આ મામલામાં પોતાનું સ્ટેન્ડ રાખતા અનેક ટ્વિટ કર્યા હતા.