નવી દિલ્હીઃ દેશના  બે  સૌથી મોટા રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને બંન્ને રાજ્યોમાં હાલમાં ભાજપની સરકાર છે. એબીપી ન્યૂઝ અને લોકનીતિ –સીએડીએસ સાથે મળીને મધ્યપ્રદેશમાં એક સર્વે કર્યો છે જેમાં એ જાણવાનો પ્રયાસ કરાયો છે કે હાલમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાય  તો ત્યાં બીજેપી સત્તા સાચવવામાં સફળ રહે છે કે પછી કોગ્રેસ બીજેપીને હટાવીને સરકાર બનાવે છે.


મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામે  એકવાર ફરી ખુરશી બચાવી રાખવાનો પડકાર રહેશે. કારણ કે સર્વેમાં બીજેપી માટે સારા સંકેત મળી રહ્યા નથી. જો મે 2018માં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થાય તો બીજેપીના વોટની ટકાવારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2018માં બીજેપીનો વોટશેર ઘટીને 34 ટકા રહી જાય છે તે વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીમાં 45 ટકા હતો.જ્યારે કોગ્રેસનો વોટશેર વધીને 49 ટકા થઇ જાય છે જે વર્ષ 2013માં 36 ટકા હતો. બીએસપીના મતની ટકાવારી 5 ટકા રહી જાય છે જે 2013માં છ ટકા હતી અને અન્યના ખાતામાં 12 ટકા મત આવે છે જે વર્ષ 2013માં 13 ટકા હતા.

બીજેપીના વોટની ટકાવારીમાં 11 ટકાનો ઘટાડો થયો

2013ની સરખામણીએ 2018માં બીજેપીના ખાતામાં 11 ટકા ઓછા મતો મળી રહ્યા છે. જ્યારે કોગ્રેસ માટે સારા સમાચાર છે કારણ કે 2013ની સરખામણીએ તેના વોટમાં 13 ટકાનો  વધારો થઇ રહ્યો છે. એ રીતે જોઇએ તો આ સર્વેમાં શિવરાજસિંહ માટે ખતરાની ઘંટી છે. સર્વેમાં વોટની ટકાવારીમાં ઘટાડો બીજેપી માટે ચિંતાનો વિષય બની શકે છે.

મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પર એબીપી ન્યૂઝે CSDS-લોકનીતિ સાથે મળીને દેશનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. આ સર્વે 28 એપ્રિલ 2018થી 17 મે 2018 વચ્ચે કરવામાં આવ્યો છે. 19 રાજ્યોમાં 700 સ્થળોની 175 વિધાનસભા બેઠકો પર જઇને 15859 લોકોનો મત જાણવામાં આવ્યો છે.