નવી દિલ્હીઃ કિશનગંગા હાઇડ્રો પ્રોજેક્ટ પર ડેમ લઇને પાકિસ્તાનના વિરોધને વર્લ્ડ બેન્કે ફગાવી દીધો હતો. પાકિસ્તાનને ઝટકો આપતા વર્લ્ડ બેન્કે આ મામલે દખલગીરી કરવાનો ઇનકાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 મેના રોજ કિશનગંગા હાઇડ્રો પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુ હતું. આ એ જ પ્રોજેક્ટ છે જેના પર પાકિસ્તાને શરૂઆતથી જ વિરોધ નોંધાવ્યો છે. 10 વર્ષમાં તૈયાર થયેલા આ પ્રોજેક્ટ બંન્ને દેશો વચ્ચે મતભેદનું કારણ બનેલો છે. યોજનાના ઉદ્ધાટન બાદ પાકિસ્તાને વર્લ્ડ બેન્કમાં ફરિયાદ કરી હતી પરંતુ તેને ઝટકો લાગ્યો છે.

1960ના સિંધુ જળ સમજૂતિના ઉલ્લંઘનનો આરોપ લગાવતા પાકિસ્તાને આ પ્રોજેક્ટ પર વિશ્વ બેન્કને નજર રાખવાનું કહ્યું હતું અને સાથે અપીલ કરી હતી કે વર્લ્ડ બેન્ક આ પ્રોજેક્ટમાં ગેરંન્ટરની ભૂમિકા નિભાવે. જોકે, વર્લ્ડ બેન્ક, પાકિસ્તાન અને ભારતના અધિકારીઓ વચ્ચે કોઇ સમજૂતિ બની નથી. નીલમ નદી જે કિશનગંગાના નામથી પણ ઓળખાય છે. આ યોજનાની શરૂઆત વર્ષ 2007માં કરવામાં આવી હતી. જેના 3 વર્ષ બાદ પાકિસ્તાને આ કેસ ઇન્ટરનેશનલ કોર્ટમાં ઉઠાવ્યો હતો. જેથી ત્રણ વર્ષ બાદ આ યોજના અટકી પડી હતી. 2013માં કોર્ટે કિશનગંગા પ્રોજેક્ટને સિંધુ જળ સમજૂતિ અનુરૂપ ગણાવ્યો હતો અને ભારત ઉર્જા ઉત્પાદન માટે તેના પાણીને ડાયવર્ટ કરી શકે છે.