નવી દિલ્હીઃ ભારતના ઔષધિ નિયંત્રકે ચામડીના રોગની સારવારમાં ઉપયોગમાં લેવાતા આઈટોલીઝુમૈબ ઈન્જેક્શનને કોરોના દર્દીની સારવાર માટે  મર્યાદીત ઉપયોગની મંજૂરી આપી છે. જે દર્દીને શ્વાસ લેવામાં મધ્યમ તથા ગંભીર સ્તરની મુશ્કેલી છે તેમના માટે જ આ ઈન્જેક્શનનો ઉપયોગ કરી શકાશે. અધિકારીએ જણાવ્યું કે, કોરોનાની સારવાર પર વિચાર કરતાં ભારતના ઔષધિ મહાનિયંત્રક ડૉ. વી જી સોમાનીએ કોરના વાયરસના કારણે શરીરના અંગોમાં ઓક્સિજન ન મળવાની ગંભીર અવસ્થામાં ઈમરજન્સી સ્થિતિમાં મોનોક્લોનલ એન્ટીબોડી ઈન્જેક્શન આઈટોલીઝુમૈબના મર્યાદીત ઉપયોગની મંજૂરી આપી છે.

આ અંગે એક અધિકારીએ કહ્યું, એઇમ્સ સહિત અન્ય હોસ્પિટલમાં શ્વસન રોગ નિષ્ણાતો, ઔષધિ વિજ્ઞાનીઓ તથા દવા વિશેષજ્ઞોની સમિતિ દ્વારા ભારતમાં કોવિડ-19 દર્દી પર તબીબી પરીક્ષણ સંતોષજનક રહ્યા બાદ આ ઈન્જેક્શનન ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા થોડા વર્ષોથી ચામડીના રોગની સારવાર માટે બાયોકોન કંપનીની પહેલાથી સ્વીકૃત દવા છે. આ દવાના ઉપયોગ પહેલા દરેક દર્દીની લેખિતમાં મંજૂરી જરૂરી છે.



બિઝનેસ ટુડેના રિપોર્ટ પ્રમાણે બાયોકોનના સંસ્થાપક અને ચેરપર્સન કિરણ મઝુમદાર શૉએ કહ્યું, કોરોના વાયરસના દર્દી પર ટ્રાયલથી લઈ મંજૂરી મળવામાં 120 દિવસ લાગ્યા છે. એક ડોઝની કિંમત 7,950 રૂપિયા છે. દર્દીએ આવા ચાર ડોઝની જરૂર પડે છે. આખો કોર્સ કરવા માટે દર્દીએ આશરે 32,000 રૂપિયા ખર્ચવા પડશે. પરીક્ષણ મુંબઈની કેઈએમ અને નાયર હોસ્પિટલ તથા દિલ્હીની LNJP અને AIIMS હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

કોવિડ-19ના કારણે 25 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યા સંસદીય સમિતિને શુક્રવારે પ્રથમવાર બેઠક મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, કોવિડ-19 માટે રસી આગામી વર્ષની શરૂઆત સુધીમાં વિકસિત થવાની આશા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 519 લોકોના મોત થયા છે અને 27,114 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8,20,916 પર પહોંચી છે અને 22,123 લોકોના મોત થયા છે. 5,15,386 લોકો સાજા થઈ ગયા છે અને 2,83,407 એક્ટિવ કેસ છે.