Dharmendra Pradhan On Rahul Gandhi: NEET મુદ્દે દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર રાહુલ ગાંધીના ઉગ્ર વિરોધ પ્રદર્શન અને રાજીનામાની માંગ વચ્ચે હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આકરો વળતો પ્રહાર કર્યો છે. શિક્ષણ મંત્રીએ કોંગ્રેસ અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢતા તેમના પર વિદ્યાર્થીઓનો 'રાજકીય સાધન' તરીકે ઉપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસનો અસલી હેતુ વિદ્યાર્થીઓની સમસ્યાનો ઉકેલ લાવવાનો નથી, પરંતુ માત્ર અશાંતિ ફેલાવીને રાજકીય હેડલાઇન્સમાં છવાયેલા રહેવાનો છે.

Continues below advertisement

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસ પર સીધું નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું કે, "વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અશાંતિ ફેલાવવા માટે બેશરમીથી વિદ્યાર્થીઓનો એક રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર જે રીતે વિરોધ પ્રદર્શન કર્યું, તેનાથી સામાન્ય જનતાને ભારે અસુવિધા તો થઈ જ, સાથે સાથે સુરક્ષા પ્રોટોકોલનું પણ ઘોર અપમાન થયું છે."

Continues below advertisement

શિક્ષણ મંત્રીએ વિપક્ષની નીતિઓ પર સવાલ ઉઠાવતા વધુમાં જણાવ્યું હતું કે, "સરકાર આ સમગ્ર મુદ્દે વ્યાપક અને ખુલ્લી ચર્ચા કરવા માટે સંપૂર્ણ તૈયારી દર્શાવી રહી હોવા છતાં, કોંગ્રેસે લોકશાહી ઢબે ચર્ચા કરવાને બદલે રસ્તા પર રાજકીય તમાશો કરવાનું પસંદ કર્યું છે." તેમણે ઉમેર્યું કે કોંગ્રેસનો ધ્યેય વિદ્યાર્થીઓ માટે કોઈ નક્કર ઉકેલ શોધવાનો નહોતો, પરંતુ માત્ર રાજકીય હેડલાઇન્સ મેળવવા માટે અશાંતિ ભડકાવવાનો હતો. પ્રધાનના મતે, રાહુલ ગાંધી માટે આ કોઈ વિદ્યાર્થીઓનો મુદ્દો રહ્યો જ નથી; પરંતુ વાતચીતના તમામ રસ્તાઓ ખુલ્લા હોવા છતાં માત્ર સંઘર્ષ અને વિવાદ ઊભો કરવાનો મુદ્દો બની ગયો છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'

NEET મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કરતા ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક કહ્યું કે, "અમારી સરકાર સંસદ ગૃહમાં NEET પર ચર્ચા કરવા અને દેશના યુવાનોની દરેક વાજબી ચિંતાને સાંભળીને તેને ઉકેલવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ભારતના વિદ્યાર્થીઓ કોઈના રાજકીય અભિયાનમાં 'પ્યાદા' તરીકે વપરાવાને બદલે વધુ સારા વ્યવહારને લાયક છે." તેમણે અંતમાં એક મજબૂત સંદેશ આપતા કહ્યું કે વિદ્યાર્થીઓને અરાજકતાને બદલે નિશ્ચિતતા, સૂત્રોચ્ચારને બદલે ઉકેલ અને અશાંતિને બદલે જવાબદારી મળવી જોઈએ. આપણે આપણા વિદ્યાર્થીઓને માત્ર ગુસ્સો જ નહીં, પરંતુ સાચા જવાબો, યોગ્ય સુધારાઓ અને જવાબદારી આપવાના ઋણી છીએ, અને આપણી સરકાર બરાબર તે જ દિશામાં કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા