મુંબઈઃ મુંબઈના ફેમસ 'મૂછ્છડ પાનવાલા'ની એનસીબીએ મોડી રાતે ધરપકડ કરી હતી. મૂછ્છડ પાનવાલાના માલિકો જયશંકર તિવારે અને રામકુમારની પૂછપરછ બાદ રામકુમારની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ કાંડમાં બ્રિટિશ નાગરિક કરન સજનાનીએ પૂછપરછ દરમિયાન મૂછ્છડ પાનવાલાનો કથિત ગ્રાહક તરીકે ઉલ્લેખ કરતાં તેની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.  ભારતમાં એક વર્ષથી પણ વધુ સમયથી રહેતા સજનાનીની બોલીવુડની એક એક્ટ્રેસના પૂર્વ મેનેજર રાહિલા ફર્નિચરવાલા અને તેની બહેનની ધરપકડ કરાઈ હતી.


NCBના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજનાની સુશાંતસિંહ કેસ સાથે સંકળાયેલો છે. તે પેડલર અનુજ કેશવાનીનો સપ્લાયર હતો, જેની સુશાંત કેસની તપાસ વખતે ધરપકડ કરાઈ હતી. ખારમાં રહેતો સંજવાની અમેરિકાથી ડ્રગ્સ મગાવીને જુદા-જુદા રાજ્યોમાં ડિસ્ટ્રિબ્યૂટ કરતો હોવાનો આક્ષેપ છે.


બાતમીના આધારે એનસીબી મુંબઈએ બાંદ્રા વેસ્ટમાં એક કુરિયરવાળાને ત્યાં રેડ કરીને ગાંજાનો જથ્થો સીઝ કર્યો હતો, અને તેના ફોલો-અપ ઓપરેશનમાં સંજવાનીના ખાર સ્થિત ફ્લેટ પર રેડ કરાઈ હતી, અને ત્યાંથી પણ ગાંજો મળી આવ્યો હતો.

ક્યાં આવેલી છે દુકાન

આખા મુંબઈમાં ભારે નામના ધરાવતા મૂછ્છડ પાનવાલાની શરુઆત અલ્હાબાદ, યુપીના પંડીતશ્રી શ્યામચરણ તિવારી દ્વારા કરવામાં આવી છે. હાલ આ નામ પર તેમના ચાર દીકરા પણ પાનનો ધંધો કરે છે. તેની દુકાન મલબાર હિલ, કેમ્પસ કોર્નર ખાતે આવેલી છે.

કોણ છે ગ્રાહકો

છેલ્લા 45 વર્ષથી મૂછ્છડ પાનવાલા મુંબઈમાં કાર્યરત છે અને સામાન્ય લોકો જ નહીં પરંતુ ફિલ્મ સ્ટાર્સ, વેપારીઓ, રાજકારણીઓ પણ તેના ગ્રાહક છે. 2016માં મૂછ્છડ પાનવાલાએ પોતાની વેબસાઈટ શરુ કરીને ઓનલાઈન ઓર્ડર લેવાનું શરુ કર્યું હતું. પોતાની મીઠીવાણી અને પાન બનાવવાના અંદાજથી તે ગ્રાહકોને બાંધીને રાખે છે. મૂછ્છ્ડ પાનવાલાના ગ્રાહકોનું લિસ્ટ ઘણું મોટું છે. જેમાં બિઝનેસમેન, ક્રિકેટર્સ અને બોલિવૂડ સ્ટાર્સનો સમાવેશ થાય છે.

અમેરિકાના દેૈનિકે પણ લીધી નોંધ

અમેરિકાના જાણીતા દૈનિક ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાં પણ તેનો 2005માં આર્ટિકલ છપાયો હતો. એક અહેવાલ મુજબ, 45 વર્ષથી બિઝનેસ કરતાં મૂછ્છડ પાનવાલાની સંપત્તિ કરોડો રૂપિયા છે. તેમની દુકાનમાં 80થી વધુ પાનની વેરાયટી મળે છે. પાનશોપ સવારે 7 વાગે ખૂલી જાય છે અને રાત્રે 1.30 કલાકે બંધ થાય છે.