નવી દિલ્હીઃ તાજેતરમાં જ ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો પર 26 ઓગસ્ટના રોજ મતદાન થશે અને તે દિવસે જ મતગણતરી થશે. ચૂંટણી પંચે આ જાહેરાત કરતા કહ્યું કે, ઉત્તર પ્રદેશની રાજ્યસભાની બેઠકો માટે 26 ઓગસ્ટના રોજ મતદાન થશે. રાજસ્થાનમાં મદનલાલ સૈનીના નિધન અને ઉત્તરપ્રદેશમાં નીરજ શેખરના રાજીનામાના કારણે રાજ્યસભાની બેઠકો ખાલી થઇ છે.


આ રાજ્યસભાની ચૂંટણી માટે 14 ઓગસ્ટના રોજ ઉમેદવારીપત્રક ભરવામાં આવશે અને 19 ઓગસ્ટ સુધીમાં નામ પાછા લઇ શકાશે. નીરજ શેખરનો કાર્યકાળ 25 નવેમ્બર 2020 સુધી હતો પરંતુ તાજેતરમાં જ સમાજવાદી પાર્ટી અને રાજ્યસભામાંથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થઇ ગયા હતા. આ કારણે ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની એક બેઠક ખાલી થઇ છે. જ્યારે મદનલાલ સૈનીનો રાજ્યસભાનો કાર્યકાળ 3 એપ્રિલ 2024 સુધી હતો પરંતુ તેમના મોતના કારણે આ બેઠક ખાલી પડી હતી.

ભાજપ આશા રાખી રહ્યું છે કે બંન્ને બેઠકો પર જીત હાંસલ કરીને રાજ્યસભામાં પોતાના સભ્યોની સંખ્યા વધારી શકાય જેનાથી ભવિષ્યમાં સરકાર જ્યારે કોઇ મહત્વપૂર્ણ બિલ લઇને આવે તો રાજ્યસભામાંથી તેને પાસ કરવામાં સરળતા રહે.