રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી. દેશભરમાં આજે ઈદની ઊજવણી કરવામાં આવી રહી છે. ઈદના આ તહેવાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, ઈદ પહેલા શુક્રવારે ઊજવવાની હતી પરંતુ ચાંદ ન દેખાવાને કારણે હવે શનિવારે આ તહેવાર ઊજવવામાં આવી રહ્યો છે. 'નયા ચાંદ' શુક્રવારે સાંજે લગભગ 7.35 વાગે જોવા મળ્યો હતો.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરીને દેશના લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી. તેમણે ટ્વિટમાં લખ્યું, "આ દિવસ સમાજમાં એકતા અને શાંતિ લઇને આવે." રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ઈદ-અલ-ફિતુરની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી અને સમાજમાં ભાઈચારો અને પરસ્પર સમજદારી વધે તેવી શુભકામના કરી. ઈદના આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દેશવાસીઓને શુભેચ્છાઓ આપતા કહ્યું કે, ઈશ્વર તમામને શાંતિ, ખુશીઓ, બુદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે.
કતા અને શાંતિના આ તહેવાર પર રાજકીય મતભેદોને ભૂલીને મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને કોંગ્રેસ નેતા કમલનાથ ભોપાલમાં એકસાથે જોવા મળ્યા. ઈદના આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં નમાજ પછી પોલીસ અને સુરક્ષાદળો પર પથ્થરમારો કરવામાં આવ્યો. જેની જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ ટિયરગેસ શેલ છોડ્યા.