નવી દિલ્હીઃ ભાજપના નેતા કપિલ મિશ્રા ‘મિની પાકિસ્તાન’વાળા નિવેદન પર મુશ્કેલીમાં મુકાઇ શકે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મોડલ ટાઉનથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે દિલ્હી પોલીસને કપિલ મિશ્રા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે. જ્યારે દિલ્હી પોલીસના એક સિનીયર અધિકારીએ કહ્યું કે આ મામલામાં એફઆઇઆર દાખલ કરવામાં આવી ચૂકી છે. કપિલ મિશ્રાએ ગુરુવારે ટ્વિટ કરી કહ્યુ હતું કે, આમ આદમી પાર્ટી અને કોગ્રેસે શાહીન બાગ જેવા મિની પાકિસ્તાન ઉભા કર્યા છે. જવાબમાં આઠ ફેબ્રુઆરીના રોજ હિંદુસ્તાન ઉભું થશે.


આ અગાઉ ચૂંટણી પંચે ગુરુવારે કપિલ મિશ્રાને નોટિસ મોકલી હતી. કપિલ મિશ્રાને આદર્શ આચારસંહિતા ભંગને લઇને નોટિસ મોકલવામાં આવી છે. કપિલ મિશ્રાના આ નિવેદન વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓએ વિરોધ નોંધાવ્યો હતો.ચૂંટણી આયોગે ટ્વિટરને કપિલ મિશ્રાના વિવાદીત ટ્વિટ હટાવવાના નિર્દેશ આપ્યા હતા.