નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ આવતીકાલે  ત્રણ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ ગુરુવારે બેઠક કરશે જેમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ ત્રણ રાજ્યોમાં આ વર્ષના અંતમાં ચૂંટણીઓ યોજાશે.

એક રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્ર અને હરિયાણામાં અગાઉ ચૂંટણી યોજાશે. જેને કારણે આ રાજ્યોમાં પહેલા નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. સૂત્રોના મતે અહી દિવાળી અગાઉ નવી સરકારની રચના થઇ શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠકો પર ચૂંટણી યોજાશે. જ્યારે હરિયાણા અને ઝારખંડની 90 અને 82 બેઠકો પર આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી સંભવિત છે. આ ત્રણેય રાજ્યોમાં ઓક્ટોબર 2014માં વિધાનસભા ચૂંટણી યોજાશે. આ પરિણામોની જાહેરાત 19 ઓક્ટોબરના રોજ થઇ હતી.

નોંધનીય છે કે 2014માં આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર બની હતી. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 122 બેઠકો જીતી હતી અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે હરિયાણામાં 90માંથી ભાજપે 47 બેઠકો જીતી હતી. ઝારખંડની વાત કરીએ તો અહી 77 બેઠકોમાંથી 35 બેઠકો જીતી હતી અને રઘુબર દાસ મુખ્યમંત્રી બન્યા હતા.