પટણાઃ ‘બિહારમાં બહાર હૈ, નીતિશે કુમાર હૈ’ના નારા સાથે નીતિશ કુમારને ચૂંટણી જીતાડનારા રણનીતિકાર પ્રશાંત કિશોર આજે જેડીયુંમાં સામેલ થયા હતા. પટણામાં નીતિશ કુમારની હાજરીમાં પ્રશાંત કિશોર જેડીયુમાં જોડાયા હતા. રિપોર્ટ પ્રમાણે, આવનારા દિવસોમાં પ્રશાંત કિશોરને બિહારમાં પાર્ટી અને સરકારમાં મોટી જવાબદારી મળી શકે છે. નીતિશ કુમારના મહાગઠબંધન છોડ્યા બાદ પ્રશાંત કિશોર તેમનાથી દૂર થઇ ગયા હતા.

નીતિશ કુમાર પ્રશાંત કિશોરને નંબર બેની પોઝીશન આપવાનું મન બનાવી ચૂક્યા છે. પ્રશાંત કિશોર પાર્ટી અને સરકાર વચ્ચે પુલનું કામ કરશે. આવનારા સમયમાં પ્રશાંત કિશોર ચૂંટણી પણ લડી શકે છે. પ્રશાંત કિશોરને બીજેપી અને કોગ્રેસ એમ બંન્નેના નજીકના સાથી મનાય છે. પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

જેડીયું જોઇન કરવાના નિર્ણય પર પ્રશાંત કિશોરે કહ્યું કે, આ ઓફર ખૂબ અગાઉથી હતી અને હવે સમય આવી ગયો છે જ્યારે મે નિર્ણય લીધો છે. નીતિશ કુમાર જે પણ જવાબદારી સોંપશે તેને નિભાવીશ. પછી તે સરકારમાં હોય અથવા પાર્ટીમાં. બંન્ને વચ્ચે પુલની જેમ કામ કરીશ.

બીજેપી સાથે બેઠકોની વહેંચણીને લઇને પ્રશાંત કિશોરે કહ્યું કે, એક સપ્તાહ કે દસ દિવસની અંદર બેઠકોને લઇને નિર્ણય થઇ જશે. એટલું નક્કી છે કે જેડીયુ મોટાભાઇની ભૂમિકામાં રહેશે. પ્રશાંત કિશોર આવ્યા બાદ બીજેપી અને કોગ્રેસમાં ખળભળાટ મચી ગઇ છે.