Lok Sabha Election Survey: લોકસભા ચૂંટણી 2024માં લગભગ 400 દિવસ બાકી છે. તમામ પક્ષો ચૂંટણીને લઈને સક્રિય બની ગયા છે. કહેવાય છે કે દિલ્હીની સત્તાનો માર્ગ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. આ દરમિયાન એક સર્વે એવો સામે આવ્યો છે જેણે ઉત્તર પ્રદેશને સાધવામાં લાગેલા વિરોધ પક્ષોનું ટેન્શન વધારી દીધું છે. સર્વેમાં 2024ની ચૂંટણીમાં વિપક્ષના સૂપડા સાફ થાય તેવો વર્તારો તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં થયો છે.


સી વોટર અને ઈન્ડિયા ટુડેએ મૂડ ઓફ ધ નેશન નામનો સર્વે કર્યો છે. જેમાં લોકસભાની ચૂંટણીને લઈને લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સર્વેના આંકડા દર્શાવે છે કે, યુપીમાં ભાજપનું ફરી એકવાર બુલડોઝર ફરી વળશે. ભાજપને ગત વખત કરતા વધુ બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.


સર્વેના પરિણામો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી માટે ખૂબ જ નિરાશાજનક છે. અખિલેશ અને માયાવતીએ ગત ચૂંટણી એકસાથે ગઠબંધન કરીને લડી હતી. જેના કારણે તેઓ પોતાના નાક બચાવવામાં સફળ રહ્યાં હતાં પરંતુ તાજેતરના સર્વે અનુસાર આ વખતે બંનેની કારમી હાર નિશ્ચિત મનાઈ રહી છે. 


2019માં શું આવ્યું હતું પરિણામ?


ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં 64 સીટો ભાજપના ખાતામાં ગઈ હતી. જેમાં 62 બેઠકો ભાજપે જીતી હતી, જ્યારે બે બેઠકો અપના દળ-સોનેલાલના ભાગે આવી હતી. સમાજવાદી પાર્ટી અને બસપા એકસાથે ચૂંટણી મેદાનમાં હતા.  પરિણામ એ આવ્યું કે બસપાને 10 બેઠકો મળી જ્યારે સપાને 5 બેઠકો મળી શકી. કોંગ્રેસને 1 બેઠક મળી હતી. SP-BSP સાથે આવવા છતાં 2019માં BJPને 49 ટકા વોટ મળ્યા હતા.


2024માં શું આવશે પરિણામ?


આ વખતે યુપીનું સમીકરણ બદલાયું છે. સપા અને બસપાના રસ્તા અલગ છે. તેની અસર બેઠકો પર પણ પડી રહી છે. જાન્યુઆરી 2023માં જાહેર કરાયેલા સર્વે અનુસાર ઉત્તર પ્રદેશમાં બીજેપીના નેતૃત્વવાળી એનડીએને 70 સીટો મળી રહી છે. યુપીમાં 5 વર્ષમાં ભાજપની બેઠકો વધી છે. એનડીએના ખાતામાં 70 સીટો ગયા બાદ માત્ર 10 સીટો બચી છે, જેમાં સપા-બસપા અને કોંગ્રેસને વહેંચવી પડશે. આ સ્થિતિમાં વિરોધ પક્ષો માટે પોતાનું નાક બચાવવું પણ મુશ્કેલ બનશે.


દેશમાં કોની બનશે સરકાર?


સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે, જો આજે ચૂંટણી યોજાય તો કોની સરકાર બનશે? લોકોએ NDAની તરફેણમાં બહુમતી દર્શાવી હતી. ભાજપના નેતૃત્વમાં એનડીએને 298 બેઠકો મળી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સાથે જ કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. યુપીએને 153 સીટો મળતી જોવા મળી રહી છે.