કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં મધરાતે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડાવા ગયેલી પોલીસની ટીમ પર બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું જેમાં ડીવાયએસપી દેવેન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યાં છે તથા 7 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશમાં કાનપુરના બિઠૂરમાં બદમાશોએ મધરાતે રેડ પાડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું. જેમાં એક ડીએસપી, 3 પોલીસ સબ ઈન્સ્પેક્ટર, 4 કોન્સ્ટેબલ શહીદ થયા છે.

ઘાયલ પોલીસકર્મીની રિજેન્સી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. પોલીસ વિકાસ દુબે નામના હિસ્ટ્રી શીટરને પકડવા માટે વિકરુ ગામ ગઈ હતી. હુમલાખોરોએ ધાબા પરથી પોલીસ પર ફાયરિંગ કર્યું.

DGP એચસી અવસ્થીએ જણાવ્યું છેકે, વિકાસ દૂબે વિરુદ્ધ કાનપુરના રાહુલ તિવારીએ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ તેને પકડવા માટે બિકરુ ગામમાં ગઇ હતી. પોલીસને કાર્યવાહી કરતી અટકાવવા માટે જ જેસીબી સહિતના વાહનોથી રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. અચાનક  છત પરથી આડેધડ ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે STFની ટીમને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. પોલીસે યુપીની તમામ બોર્ડર સીલ કરી છે.



આ ઘટનામાં DSP દેવેન્દ્ર મિશ્ર, SI અનૂપ કુમાર સિંહ, SI નેવૂલાલ, SO મહેશ ચંદ્ર યાદવ, કોન્સ્ટેબલ સુલ્તાન સિંહ, કોન્સ્ટેબલ રાહુલ, કોન્સ્ટેબલ જિતેન્દ્ર અને કોન્સ્ટેબલ બબલૂના મોત થયા છે. આ ઉપરાંત બિઠૂર પોલીસ સ્ટેશન પ્રભારી કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ સહિત 7 પોલીસકર્મીઓને ગોળી વાગી છે. તેમની સારવાર રીજેન્સી હોસ્પિટલમાં ચાલી રહી છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. સીએમ યોગીએ બદમાશો પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. તેઓ સતત એડિશનલ ચીફ સેક્રેટરી અને ડીજીપીના સતત સંપર્કમાં છે.

વિકાસ ઉત્તરપ્રદેશનું કુખ્યાત બદમાશ છે. STFએ વિકાસ દુબેને 31 ઓક્ટોબર 2017ના રોજ લખનઉના કૃષ્ણાનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. કાનપુર પોલીસે તેના વિરુદ્ધ 25 હજારનું ઈનામ રાખ્યું હતું. તે થોડા દિવસ પહેલા જેલમાંથી બહાર આવ્યો હતો.