નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ નીરવ મોદીની જપ્ત કરાયેલી લગ્ઝરી કાર્સ, ઘડિયાળ અને અન્ય કિંમતી સામાનની હરાજી કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ ઓનલાઈન હરાજીની જવાબદારી મુબઈની સેફરનઆર્ટ્સને સોંપી છે.


સેફરનઆર્ટ્સ પહેલી ઓનલાઈન હરાજી 27 ફેબ્રુઆરીએ આયોજીત કરશે, જ્યારે બીજી હરાજી 3 અને 4 માર્ચ થશે. આ પહેલીવાર છે કે ઈડીએ કોઈ પ્રોફેશનલ હરાજી હાઉસને જપ્ત કરવામાં આવેલી સંપત્તિ હરાજી માટે જવાબદારી સોંપી છે.

નીરવ મોદીની પોર્શ પનામરા અને રૉલ્સ રૉયસ ગોસ્ટ લગ્ઝરી કાર્સ સહિત કલાકારોની કલાકૃતિઓ, હેન્ડબેગ, મોંઘી ઘડિયાળોની હરાજી કરવામાં આવશે. આ પહેલા ગત વર્ષ માર્ચમાં સેફરનઆર્ટ્સે આવકવેરા વિભાગ માચટે નીરવ મોદીની પેન્ટિંગ્સ હરાજી કરીને 54.84 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા.

પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી લંડનની જેલમાં બંધ નીરવ મોદી ઉપર ભારતના પ્રત્યાર્પણની તલવાર લટકી રહી છે. સીબીઆઈ અને ઈડી તેને ભારત લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે.