નવી દિલ્હીઃ કલમ 370 હટાવ્યા બાદ આજે પહેલીવાર વિદેશી પ્રતિનિધિમંડળ કાશ્મીર ઘાટીનો પ્રવાસ કરશે, પ્રતિનિધિમંડળમાં 27 યૂરોપીય સાંસદ છે, જે કાશ્મીર જશે અને લોકો, વહીવટી અધિકારીઓ સાથે મુલાકાત કરશે. જોકે, આ બધાની વચ્ચે સોમવારે ફરી એકવાર આતંકીઓની વધુ નાપાક હરકત સામે આવી છે, આતંકીઓએ એક ડ્રાઇવરને નિશાને લીધો. આ પ્રકારની એક મહિનામાં આ પાંચમી ઘટના છે.

પ્રતિનિધિમંડળને લઇને વિવાદ....
કાશ્મીરમાં વિદેશી પ્રતિનિધિમંડળના પ્રવાસને લઇને વિપક્ષી પાર્ટીઓએ તીખી પ્રતિક્રિયા આપી, સરકારની નિંદા કરી છે. કોંગ્રેસે કહ્યું કે, યૂરોપીય સાંસદોને ત્યાં જવાની અનુમતિ આપવામાં આવી રહી છે, પણ ભારતીય નેતાઓને આમ કરવાથી રોકવામાં આવી રહ્યાં છે, આ ભારતની લોકશાહી અને આની સંપ્રભુતાનુ અપમાન છે.

વિદેશી પ્રતિનિધિમંડળના પ્રવાસને લઇને કોંગ્રસે, રાહુલ ગાંધી, વરિષ્ઠ નેતા જયરામ રમેશ, કોંગ્રેસ પ્રવક્તા આનંદ શર્મા, પીડીપી નેતા મહેબૂબા મુફ્તી સહિતના દિગ્ગજ નેતાઓએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.


વિદેશી પ્રતિનિધિમંડળમાં ઇટાલીના ફૂલ્વિયો માર્તુસિએલો, બ્રિટેનના ડેવિડ રિચર્ડ બુલ, ઇટાલીની જિયાના ગૈંસિયા, ફ્રાન્સની જુલી લેન્ચેક, ચેક ગણરાજ્યના ટામસ ડેકોવસ્કી, સ્લૉવાકિયાના પીટર પોલાક અને જર્મનીના નિકોલસ ફેસ્ટ સામેલ છે.