ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રમાં સમગ્ર ચૂંટણી એક તબક્કામાં યોજાશે જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે 288 સીટો પર મતદાન થશે જ્યારે ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે. બંને રાજ્યોના પરિણામો 23 નવેમ્બરે એકસાથે આવશે.


આ તારીખોની જાહેરાત દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનરે EVM સંબંધિત પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે હરિયાણાની ચૂંટણીમાં ઈવીએમને લઈને મળેલી ફરિયાદોનો અમે જવાબ આપીશું. અમે દરેક ફરિયાદનો યોગ્ય જવાબ આપીશું અને લેખિતમાં આપીશું. ઈવીએમ એક વાર નહીં પરંતુ ઘણી વખત ચેક કરવામાં આવે છે. ઈવીએમ ચાલુ થાય ત્યારે જ તેમાં બેટરી નાખવામાં આવે છે. મતદાનના 5-6 દિવસ પહેલા મશીનમાં ચૂંટણી ચિહ્નો નાખવામાં આવે છે અને નવી બેટરીઓ નાખવામાં આવે છે. બેટરી પર એજન્ટની સહી પણ હોય છે. જ્યાં ઈવીએમ રાખવામાં આવે છે ત્યાં ત્રણ સ્તરીય સુરક્ષા છે.


'પેજર હેક થઇ શકે ઈવીએમ નહીં'


મુખ્ય ચૂંટણી કમિશનરે પેજર હેક જેવા મુદ્દાઓ પર EVM સાથે કરવામાં આવેલી તુલનાનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે પેજર બેટરી સાથે જોડાયેલ છે પરંતુ EVM નહીં. CEC રાજીવ કુમારે કહ્યું હતું કે, 'કેટલાક લોકો એવું પણ કહે છે કે જ્યારે પેજર ઉડાવી શકાય છે તો પછી EVM કેવી રીતે હેક ન થઈ શકે? આવા લોકોએ સમજી લેવું જોઈએ કે પેજર કનેક્ટેડ હોય છે ઈવીએમ કનેક્ટેડ હોતું નથી. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા પોલિંગ એજન્ટોની હાજરીમાં EVM એટલા સ્તરે તપાસવામાં આવે છે કે તેમાં કોઈ છેડછાડની કોઈ શક્યતા નથી.


ત્રણ સ્તરની સુરક્ષા


ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે મતદાનના 5-6 દિવસ પહેલા જ ઈવીએમની કમિશનિંગ હોય છે. દરમિયાન તેમાં બેટરી નાખવામાં આવે છે અને સિમ્બોલ ઉમેરવામાં આવે છે. આ પછી EVM સીલ કરવામાં આવે છે. ઇવીએમની બેટરી પણ ઉમેદવારના એજન્ટની સહી હોય છે. ચૂંટણી કમિશ્નરે કહ્યું કે આ મોબાઇલ જેવી બેટરી હોતી નથી આ સિંગલ યુઝ એટલે કે કેલ્ક્યુલેટર જેવી બેટરી હોય છે. કમિશનિંગ બાદ ઇવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. તેના પર ડબલ લોક હોય છે. ત્રણ સ્તરીય સુરક્ષા પણ હોય છે.


'વિડીયોગ્રાફી પણ થાય છે'


નોંધનીય છે કે જ્યારે ઈવીએમ મતદાન માટે મતદાન મથક પર જાય છે ત્યારે તે જ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. તેની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. ક્યા નંબરની મશીન ક્યા બૂથ પર જશે એ બધુ જણાવવામાં આવે છે. તેનો રેકોર્ડ રાખવામાં આવે છે. બૂથ પર પોલિંગ એજન્ટો મશીનમાં તેમના મત નાખીને બતાવવામાં આવે છે.