નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા પ્રકારની એન્ટ્રી થઈ ગઈ છે. બ્રિટનથી આવેલા 20 જેટલા લોકો કોરોના વાયરસના નવા પ્રકારની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે બ્રિટનમાં મળી આવેલા કોરોના વાયરસના નવા રૂપને લઈને ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. સરકારે મોટો નિર્ણય કરતા બ્રિટથી આવતી-જતી ફ્લાઈટ પર પ્રતિબંધ લંબાવીને 7 જાન્યુઆરી 2021 સુધી લંબાવી દીધો છે. આ પહેલા આ પ્રતિબંધ 31 ડિસેમ્બર 2020 સુધી હતો. કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.

આ નવા વાયરસના કારણે બ્રિટનની રાજધાની લંડન સહિત અનેક વિસ્તારોમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.



બ્રિટનમાંથી પરત ફરેલી આંધપ્રદેશની એક મહિલામાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો છે. 21 ડિસેમ્બરે દિલ્હી એરપોર્ટ પર ઊતર્યા પછી તેને આઈસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવી હતી. ત્યાંથી તે ભાગીને સ્પેશિયલ ટ્રેનથી પોતાના ઘરે રાજમુદરી પહોંચી હતી. મહિલાની સાથે તેનો પુત્ર પણ હતો. જોકે તેના પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

બ્રિટનથી આવેલા 20 લોકો કોરોના વાઈરસના નવા પ્રકારની ઝપેટમાં આવી ગયા હોવાની આરોગ્ય વિભાગે જાહેરાત કરી છે. આ પહેલા સરકારે કોરોનાના નવા વાયરસના 6 કેસ હોવાનું કહ્યું હતું.

જે 20 લોકો નવા કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે તેમાં એનસીડીસી લેબમાં 8, nimhansમાં 7, સીસીએમબી હૈદ્રાબાદ લેબમાં 2 સેમ્પલમાં યૂકેના નવા સ્ટ્રેન હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે NIBG કલ્યાણી કોલકાતા, NIV પુણે, IGIB દિલ્હીમાં એક એક સેમ્પલમાં યૂકેના નવા સ્ટ્રેન હોવાની પુષ્ટિ થઈ છે.

મહત્વનું છે કે અત્યાર સુધી, બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોનાના નવા પ્રકારના કેસો ડેન્માર્ક, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વીટ્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબેનોન અને સિંગાપોરમાં પણ મળી આવ્યા છે. કેંદ્ર સરકાર બ્રિટનથી આવતી જતી ફ્લાઈટ પર પ્રતિબંધ હજુ પણ લંબાવી શકે છે.