ફેસબુક ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર અજિત મોહને એક બ્લોગ પોસ્ટમાં કહ્યું, 'ફેસબુક એક ખુલ્લું અને પારદર્શક પ્લેટફોર્મ છે અને તે કોઈ પક્ષ કે વિચારધારાને ટેકો આપતું નથી. આ મંચ પર લોકો બોલવા માટે સ્વતંત્ર છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમારા પર અમારી નીતિઓ લાગુ કરવામાં પક્ષપાત કરવાનો આરોપ લાગ્યો છે. અમે આ આરોપોને ગંભીરતાથી લઈએ છીએ અને સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે અમે નફરત અને કટ્ટરતાના દરેક રૂપની નિંદા કરીએ છીએ.'
ફેસબુક ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર અજિત મોહને કહ્યું કે ફેસબુકના કન્ટેઈન્ટ સાથે વ્યવહાર કરવા માટે એક તટસ્થ નીતિ રહી છે અને તેઓ સમુદાયના ધોરણોનું કડક પાલન કરે છે. તેમણે કહ્યું, 'અમે આ નીતિઓ સમગ્ર વિશ્વમાં લાગુ કરીએ છીએ અને કોઈની રાજકીય સ્થિતિ, વિચારધારા અથવા ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓની પરવા કરતા નથી. અમે અમારા મંચ પરથી નેતાઓ દ્વારા પોસ્ટ કરાયેલી વાંધાજનક સામગ્રીને દૂર કરી છે અને આગળ પણ તેમ કરતા રહેશું.
સંસદની સ્થાયી સમિતિના અધ્યક્ષ શશી થરૂરે 2 સપ્ટેમ્બરના રોજ ફેસબુકના પ્રતિનિધિઓને આ મુદ્દે પોતાના મંતવ્યો રજૂ કરવા બોલાવ્યા છે. જેના પર ભાજપે થરૂર સામે મોરચો માંડ્યો હતો. સમિતિના સભ્ય અને ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ કહ્યું કે થરૂરે સભ્યો સાથે વાત કરી નથી. તેમને એકલા પગલા લેવાનો અધિકાર નથી. દુબેએ થરૂરને હટાવવા અને બીજા કોઈને અધ્યક્ષ બનાવવાની માંગ કરી છે.