નવી દિલ્હી: હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ જેમાં 10મું પાસ યુવાનોને ફ્રી લેપટોપ આપવાની વાત કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથેની એક લિંક સોશિયલ મીડિયા પર ઝડપથી શેર કરવામાં આવી રહી છે, આ લિંક પર ક્લિક કરીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવામાં આવી રહ્યું છે. હવે વાયરલ મેસેજનું ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. આ લિંક દ્વારા લોકોની અંગત માહિતીની ચોરી કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર પીએમ મોદીના ફોટો સાથેની લિંક શેર કરતા કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી લેપટોપ વિતરણ યોજના હેઠળ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી લેપટોપ વિતરણ યોજના 2022 માટે નોંધણી ચાલી રહી છે, જેમાં તમામ 10મું પાસ (16 થી 40 વર્ષ) યુવાનોને મફત લેપટોપ આપવામાં આવશે. આ સાથે મેસેજમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમે અત્યારે જ તમારા મોબાઈલથી આ લિંક પર રજીસ્ટ્રેશન કરાવો.
આ લિંક https://pm-laptop--vitaran-yojana-2022.blogspot.com/ પણ મેસેજમાં શેર કરવામાં આવી છે. જો તમને પણ ફ્રી લેપટોપને લઈને આવી કોઈ લિંક અથવા મેસેજ મળ્યો હોય, તો પહેલા તેનું સત્ય જાણી લો નહીંતર તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. જો તમે આ મેસેજ પર ક્લિક કરો છો તો તમે ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બની શકો છો. હેકર્સ તમારું બેંક એકાઉન્ટ લૂંટી શકે છે.
આ ઉપરાંત, સરકાર માટે તથ્યો તપાસતા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ સંદેશ અંગે ચેતવણી જારી કરી છે. પીઆઈબી વતી, ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, 'દાવોઃ પ્રધાનમંત્રી લેપટોપ વિતરણ યોજના 2022 હેઠળ 10 પાસ યુવાનોને મફત લેપટોપ આપવામાં આવી રહ્યા છે. #PIBFactCheck કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. આવા ફેક મેસેજ ફોરવર્ડ/શેર ન કરો. આવી લિંક્સ અને વેબસાઇટ્સ પર તમારી અંગત માહિતી પણ શેર કરશો નહીં.’