નવી દિલ્હીઃ હજારો ખેડૂતો દેવામાફી અને પાકની યોગ્ય કિંમતોની માંગણી સાથે એકવાર ફરી દિલ્હી પહોંચ્યા છે. હાલમાં ખેડૂતો રાજધાનીના અલગ અલગ વિસ્તારોમાં રોકાયા છે અને તેઓ આજે રામલીલા મેદાન સુધી માર્ચ કરશે. તમામ ખેડૂતો આવતીકાલે સંસદ માર્ગ સુધી માર્ચ કરશે. ખેડૂતોને લગભગ 200 ખેડૂત સંગઠનો અને 21 નાના-મોટા રાજકીય પક્ષોનું સમર્થન છે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિએ સંસદ માર્ચ બોલાવ્યુ છે. સમિતિના સંયોજક હન્નાન મોલ્લાહે કહ્યું હતું કે, ગુરુવારે રામલીલા મેદાનમાં એકઠા થવા માટે ખેડૂતો સતત દિલ્હી પહોંચી રહ્યા છે. તેમણે કહ્યું કે, મેઘાલય, જમ્મુ કાશ્મીર, ગુજરાત અને કેરલ સહિત દેશના વિવિધ રાજ્યોથી ખેડૂતોના જૂથ રસ્તા અને રેલવે માર્ગથી દિલ્હી અને આસપાસ વિસ્તારમાં એકઠા થઇ રહ્યા છે.


મોલ્લાહે અત્યાર સુધીમાં સૌથી મોટું ખેડૂત આંદોલન ગણાવ્યું હતું. મોલ્લાહે કહ્યું કે, ગુરુવારે રામલીલા મેદાનમાં ખેડૂત સભાના આયોજન બાદ શુક્રવારે ખેડૂતોના હુઝુમ રામલીલા મેદાનથી સંસદ માર્ચ કરશે. યોગેન્દ્ર યાદવની સંસ્થા સ્વરાજ ઇન્ડિયાએ ટ્વિટ કરી જણાવ્યુ હતું કે, ખેડૂતો ઐતિહાસિક કિસાન મુક્તિ માર્ચ માટે દિલ્હી પહોંચી ગયા છે. આજે ખેડૂતો પગપાળા રામલીલા મેદાન સુધી પહોંચશે. વરિષ્ઠ વકીલ અને સ્વરાજ ઇન્ડિયાના સભ્ય પ્રશાંત ભૂષણે દાવો કર્યો હતો કે લગભગ એક લાખ ખેડૂતો આ માર્ચમાં સામેલ થશે.

અખિલ ભારતીય કિસાન સભાના સચિવ અતુલ કુમાર અંજાને કહ્યું કે, શુક્રવારે સંસદ માર્ગ પર આયોજીત કિસાન સભામાં આંદોલનને સમર્થન આપી રહેલા વિવિધ રાજકીય દળના નેતા હાજરી આપશે. પીટીઆઇના કહેવા પ્રમાણે, તેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થાય તેવી સંભાવના છે.

ખેડૂતો દેવામાફી અને બીજા કૃષિ ઉત્પાદનોના સમર્થન મૂલ્ય મળવાનો અધિકાર આપવાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે ખેડૂતો આ વર્ષમાં ઓક્ટોબર મહિનામાં દિલ્હી પહોંચ્યા હતા. જોકે, તેમને દિલ્હી અને ઉત્તરપ્રદેશ બોર્ડર પર ગાજીપુરમાં રોકવાનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. વિપક્ષી દળોએ ભાજપને ખેડૂત વિરોધી ગણાવી હતી.