નવી દિલ્લી:નરેન્દ્ર મોદી  રાજ્યસભા બાદ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન ઉઠેલા સવાલોનો જવાબ આપ્યો હતો  તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યો હતા.


પીએમ મોદીએ ભાષણની શરૂઆતમાં સાંસદનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ  કહ્યું કે, સદનમાં 15 કલાક ચર્ચા થઇ. રાત્રે 12 વાગ્યા સુધી ચર્ચાં ચાલી તે માટે  હું બધાનો આભાર વ્યક્ત કરૂ છું.  તેમણે જણાવ્યું કે, મહિલા સાંસદોનો વિશેષ રીતે આભાર માનું છું.

પીએમ મોદીએ કહ્યું કે, આપણે આઝાદીના 75મા વર્ષ પૂરા કરીશું, જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. આ અવસર ઉપર આપણે નવા સંકલ્પો સાથે આગળ વધવાનું છે.પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અંગ્રેજો કહેતા કે, ભારત અનગિનત દ્રીપનો દેશ છે. જે ક્યારેય એક નહીં થઇ શકે. જો કે આજે આઝાદ ભારતની 75 વર્ષની યાત્રામાં દેશ વિશ્વ માટે એક આશાનું કિરણ છે.

કોરોનાની સ્થિતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીનો જે રીતે ભારતે  સામનો કર્યો અને બીજાને પણ તેમાં મદદ કરી તે એક ટર્નિંગ પોઇન્ટ છે. કોરોનાના આ સમયમાં આપણે સર્વે ભવન્તુ સુખિનાની ભાવનાને ચરિતાર્થ કરી બતાવી છે. કોરોના બાદ ભારતને સશક્ત બનવવાનો એક જ રસ્તો  આત્મનિર્ભરતા છે.

કોરોના કાળમાં ભારતે 75 કરોડ લોકોને સતત 8 મહિના સુધી રાશન પહોંચાડીને મદદ કરી છે. આ એ ભારત છે જેને  જનધન, આધાર અને મોબાઇલના માધ્યમથી બે લાખ કરોડ રૂપિયા પોતાના નાગરિકો સુધી પહોંચાડ્યા છે. ત્યારે ક્યારેક વિચાર આવે છે કે, આ આધારને રોકવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો કોણે ખખડાવ્યો હતો?

પીએમ મોદીએ જણાવ્યું કે, નવો કૃષિ કાયદા કોઇ માટે બંધન નથી. જ્યાં વિકલ્પો ખુલ્લા છે ત્યાં વિરોધ શા માટે? આંદોલનજીવી જે બન્યું નથી તેનો ભય ફેલાવી રહ્યાં છે. આ સરકારની ચિંતાનો વિષય નથી પરંતુ દેશની ચિંતાનો વિષય હોવો જોઇએ.