નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 12 દિવસથી દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે ખેડૂતોના સમર્થનમાં કેટલાક પૂર્વ ખેલાડીઓ પણ આગળ આવ્યા છે. આજે દિલ્હીમાં કેટલાક પૂર્વ ખેલાડીઓએ અવૉર્ડ પરત કરવા માટે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી હતી. જો કે રાષ્ટ્રપતિ ભવન તરફથી મળવાનો સમય આપવાના આવ્યો નહતો અને ખેલાડીઓને પોલીસે આગળ જતા અટકાવી દીધા હતા.


અનેક ખેલાડીઓએ કૃષિ કાયદાના વિરોધમાં એવૉર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. આ ખેલાડીઓમાં પદ્મશ્રીથી સન્માનિત કરતાર સિંહ, મેજર ધ્યાનચંદ એવોર્ડથી સન્માનિત ગુરમેલ સિંહ, અર્જુન એવોર્ડથી સન્માનિત રાજવીર કોર સહિત અન્ય ખેલાડીઓ પણ સામેલ હતા. આ ખેલાડીઓનું કહેવું છે કે, જે રીતે સરકાર ખેડૂતો સાથે વર્તન કરી રહી છે તેનાથી તેઓ દુખી છે અને તેના કારણે જ કેન્દ્ર સરકાર તરફથી તેમને જે રાષ્ટ્રીય સન્માન મળ્યું છે, તે સન્માન પરત કરી રહ્યાં છે.



દિલ્હીા સંસદ ભવન પાસે એકઠા થયેલા પૂર્વ ખેલાડીઓએ રાષ્ટ્ર ભવન તરફ કૂચ કરવાની શરુઆત કરતા પોલીસ તેમને અટકાવી લીધા હતા. પોલીસનું કહેવું હતું કે, રાષ્ટ્રપતિ ભવન તરફથી આ ખેલાડીઓને મળવાની મંજૂરી આપવામાં આવી નથી.