નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ખેડૂતની ટ્રેક્ટર રેલી પર રોક લગાવવાનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે દિલ્હી પોલીસને કહ્યું કે, આ મામલે પોતાની અરજી પરત લો અને ખુદ તેના પર નિર્ણય લો. તેના સિવાય આજે કોર્ટે ખેડૂત સંગઠનો સાથે કૃષિ કાયદા પર વાતચીત કરવા માટે બનાવેલી કમિટીમાં ખાલી થયેલા પદને ભરવાની માંગ પર પણ નોટિસ જાહેર કરી છે.

દિલ્હી પોલીસે કોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે, ખેડૂત સંગઠનો હજારો ટ્રેક્ટર લઈને 26 જાન્યુઆરીના દિવસે દિલ્હીમાં ઘૂસવાની વાત કરી રહ્યાં છે. આ ગણતંત્રના દિવસે રાષ્ટ્રીય સમારોહમાં વિક્ષેપ થવાની આશંકા છે. કોર્ટ ટ્રેક્ટર રેલી પર રોક લગાવે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને કહ્યું હતું કે, આ મામલે પોતે નિર્ણય લેવો જોઈએ.

આજે દિલ્હી પોલીસ તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુનાવણીને 25 જાન્યુઆરી સુધી ટાળની માંગ કરી હતી. તેના પર ત્રણ જજોની બેન્ચની અધ્યક્ષતા કરી રહેલા ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું, “આ મામલાને પેન્ટિંગમાં રાખી શકાય નહીં. તમે તમારી અરજી પરત લો, આ મામલે તમારે જે પણ કરવાનું છે, તે પોતે જ કરો.”

સાથે ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા રહ્યું હતું કે, શું કોઈ મુદ્દા પર વાત મૂકવા માટે કોઈ કમિટીનો સભ્ય બને તો તે અયોગ્ય થઈ જાય છે. અમે કમિટિને કોઈ નિર્ણય લેવાનો અધિકાર આપ્યો નથી. તેને માત્ર ખેડૂત સંગઠનો સામે વાત સાંભળીને અમારા સુધી પહોંચાડવા કહ્યું છે. આ એક ચલણ બની ગયું છે કે, જે લોકો પસંદ ન આવે તેની બ્રાન્ડિંગ કરવાનું શરુ કરી દો. આ તમામ પોતાના ક્ષેત્રમાં સન્માનિત લોકો છે. તેઓને અપમાનિત કરવું યોગ્ય નથી. જેણે કમિટી સામે ન જવું હોય તે ન જાય. કમિટી સામે જે લોકો જશે. તેની વાત સાંભળીને કમિટી અમને રિપોર્ટ સોંપશે.