નવી દિલ્હી: કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનનો આજે 81 મો દિવસ છે. તેની વચ્ચે દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાની ઘટના અને ખેડુતો વિરુદ્ધ નોંધાયેલા ખોટા કેસોની ઉચ્ચ-સ્તરીય ન્યાયિક તપાસની માંગ કરી હતી.

કિસાન મોર્ચાના નેતાઓએ સિંઘુ બોર્ડર પર પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, જે ખેડૂતોને પોલીસની નોટિસ મળી રહી છે, તેઓ તેમની સામે પ્રત્ય7 રીતે હાજર ના થાય પરંતુ સહાયતમા માટે ખેડૂત સંગઠનો દ્વારા સ્થાપિત કાનૂની સેલનો સંપર્ક કરે. ત્યારે બીજી તરફ પુલવામા હુમલાના શહીદોને યાદ કરીને ખેડૂત સંગઠનો આજે દેશભરમાં કેન્ડલ માર્ચ અને મશાલ જુલુસ કાઢશે.

ખેડૂત સંગઠનોના નેતાઓએ દાવો કર્યો હતો કે, ખેડુતો વિરુદ્ધ ખોટા કેસ નોંધવામાં આવી રહ્યા છે અને તેમની સતામણી માટે તેમના પર લૂંટ તથા હત્યાના પ્રયાસ કરવા જેવા ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

ખેડૂત સંગઠનો શહીદ સૈનિકોની યાદમાં દેશભરમાં કેન્ડલ માર્ચ અને મશાલ જુલુસ અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરશે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019 ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.