નવી દિલ્હીઃ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા આજથી 15 દિવસ માટે ફાસ્ટેગ માટે લેવાતી 100 રૂપિયાની રકમ માફ કરવાનો ફેંસલો લીધો છે. 15 થી 29 ફેબ્રુઆરી દરમિયાન નજીકના કેન્દ્રમાં જઈને ફ્રીમાં ફાસ્ટેગ લગાવી શકાશે. આ માટે તમારે કારનું RC (Registration Certificate) બતાવવું પડશે.


સરકારે દેશમાં 527થી વધારે નેશનલ હાઇવે પર ફાસ્ટેગ આધારિત ટોલ ટેક્સ કલેકશન વ્યવસ્થા ચાલુ કરી છે. સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, એનએચ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા ડિજિટલ રીતે સંગ્રહ વધારવા માટે ફાસ્ટેગના 100 રૂપિયા નહીં લેવાનો ફેંસલો કર્યો છે. જે 15 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી 2020 વચ્ચે ફ્રીમાં ઉપલબ્ધ રહેશે. ઈચ્છુક વ્યક્તિ વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રજૂ કરીને કોઇ પણ વેચાણ કેન્દ્ર પરથી ફાસ્ટેગ ફ્રીમાં લઈ શકે છે.

એનએચએઆઈ ફાસ્ટે તમામ રાષ્ટ્રીય રાજમાર્ગના ટોલ ટેક્સ પ્લાઝા, પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, પરિવહન કેન્દ્ર અને પેટ્રોલ પંપ સહિત અન્ય નિર્ધારિત જગ્યાએથી લઈ શકાય છે. નિવેદન અનુસાર ફાસ્ટેગ વેચાણ કેન્દ્રની માહિતી માય ફાસ્ટેગ એપ અથવા www.ihmcl.com કે એનએચ હેલ્પલાઇન નંબર 1033 પર કૉલ કરીને જાણી શકાય છે.

શું છે FASTag

FASTag ટોલ સંગ્રહ માટે પ્રિપેડ રિચાર્જેબલ ટેગ્સ છે. જેમાંથી ટોલ ટેક્સની આપમેળે ચૂકવણી થઈ જાય છે. જેને વાહનની વિંડસ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે. FASTagની મદદથી તમારે ટોલ ટેક્સ પર વાહનને વધારે સમય સુધી લાઇનમાં નહીં ઊભા રહેવું પડે. જેવું વાહન ટોલ પ્લાઝા પાર કરશે કે તરત વિન્ડસ્ક્રીન પર ચોંટાડવાં આવેલા FASTagથી લિંક્ડ બેંક એકાઉન્ટ, પ્રીપેડ વોલેટથી ટોલ કપાઈ જશે.

કેવી રીતે કરે છે કામ

FASTag રેડિયો ફ્રિકવન્સ આઈડેન્ટિફિકેશન (RFID) ટેકનોલોજી પર કામ કરે છે. FASTagની કોઇ એક્સપાયરી ડેટ હોતી નથી. જ્યાં સુધી તે ટોલ પ્લાઝા પર રીડેબલ હોય છે ત્યાં સુધી ઉપયોગ કરી શકાય છે. તેમાં કોઈ છેડછાડ પણ કરી શકાતી નથી. 22 સર્ટિફાઇડ બેંકો, એમેઝોન તથા પેટીએમ જેવી ઇ-કોમર્સ કંપનીઓ પણ તેનું વેચાણ કરી રહી છે.