નવી દિલ્હીઃ ‘અમને ઊંઘની દવા ખવડાવી સૂવાડી દેજો પપ્પા, તે પછી ગળું દબાવી દેજો.’ વારાણસીમાં એક પરિવારની આત્મહત્યાની હૈયું હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. આત્મહત્યા કરતા પહેલા વેપારીએ પોતાના આ ખોફનાક પગલાં અંગે પોલીસને ફોન કરીને જાણ કરી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, આખો પરિવાર 23 દિવસથી આત્મહત્યાની તૈયારી કરી રહ્યો હતો.


ઘટના વારાણસીમાં આદમપુરનાનચની કુંઆ (મુકીમગંજ)ની છે. અહીં એક રૂમમાં બેડ પર બાળકોના શબ અને બીજા રૂમમાં બેડ પર પત્નીની બાજુમાં ફાંસી પર લટકેલ પતિનું શબ મળ્યું. મરતા પહેલા બિઝનેસમેને 112 નબંર પર ફોન કરીને પોલીસને કહ્યું કે, તે પરિવાર સહિત આત્મ હત્યા કરવા જઈ રહ્યા છે. જ્યાં સુધીમાં પોલીસ પહોંચી ચારેયે આત્મહત્યા કરી લીધી હતી.

મકાનના નીચેના માળે માતા-પિતા અને ઉપરના માળે ચેતન પત્ની ઋતુ (42 વર્ષ), દીકરો હર્ષ (19 વર્ષ) અને દીકરી હિમાંશી (17 વર્ષ) રહેતા હતા. સવારે 4.35 વાગ્યે ચેતને 112 નંબર પર ફોન કરી જાણ કરી હતી કે તે પરિવાર સાથે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. પોલીસકર્મીએ પાછો ફોન કર્યો તો ફોન રિસીવ ન થયો. ઘણી મુશ્કેલી બાદ શોધતા-શોધતા પોલીસ ચેતનના ઘરે પહોંચી તો તેમના પિતા રવિન્દ્રનાથે દરવાજો ખોલ્યો.

ફોરેંસિક વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં એક રૂમમાંથી 12 પાનાની સૂસાઈડ નોટ મળી આવી હતી. જેને વ્યાપારી ચેતનની પત્નીએ પોતે લખી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સૂસાઇડ નોટમાં વેપારમાં આવેલી ખોટના કારણે આર્થિક તંગી વિશે જણાવતા લખ્યું છે કે, 20 વર્ષ પહેલા જ્યારે તે લગ્ન કરીને વારાણસી આવી તો ખુશ પરિવારમાં લગ્ન થયા છે. પરંતુ ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે, પતિને ઓછુ દેખાવવાની બિમારી છે. પરિવારના સભ્યોનો પણ જે રીતે સહયોગ મળવો જોઈએ તે ના મળ્યો.

કરૂણતા એ છે કે, આ સૂસાઈડ નોટમાં દિકરી-દીકરાને ટાંકીને લખવામાં આવ્યું છે કે- પપ્પા, અમને ઉંઘની ગોળી આપીને ઉંઘાડી દેજો અને ત્યાર બાદ અમારા ગળા દબાવી દેજો.

પોલીસે જણાવ્યું કે, ઘટનાસ્થળેથી મળેલી સૂસાઈડ નોટ અને દવાઓ વગેરે જોઈને લાગે છે કે, પૂરી તૈયારી અને પરસ્પર સંમતિ સાથે પરિવારે જીવ આપ્યો છે. સૂસાઈડ નોટની સાથે સ્ટેમ્પ પેપર પર લખેલી એફિડેવિટ પણ મળી છે. તેને ગત મહિને 22 જાન્યુઆરીએ બનાવાઈ હતી. તેના પર ચેતન તુલસ્યાન તરફથી લખવામાં આવ્યું છે કે, મર્યા પછી મારી બધી સંપત્તિ ગોરખપુરમાં રહેતા સાળાને આપી દેવામાં આવે. એફિડેવિટથી સ્પષ્ટ છે કે, વેપારી અને તેનો પરિવાર 23 દિવસથી મોતની તૈયારી કરી રહ્યા હતા. સૂસાઈડ નોટ અને એફિડેવિટને ફોરેન્સિક ટીમે કબજામાં લીધી છે.