નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ફાસ્ટેગ ફરજિયાત કરી દીધું છે. આ પહેલા અનેક વખતે ફાસ્ટેગની મુદત વધારી છે પરંતુ હવે સરકાર તેને લંબાવે તેવી શક્યતા નહીંવત છે. 15 ફેબ્રુઆરી સુધીમાં તમામ વાહનો પર ફાસ્ટેગ સ્ટીકર લગાવવું ફરજિયાત હશે. નેશનલ હાઇવે ઓથોરિટીએ ચાલુ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે ટોલ બૂથ પર 1 જાન્યુઆરી, 2021થી કેશ પેમેન્ટ કે અન્ય કોઇ મોડમાં ટોલ નહીં લઇ શકાય. NHAI મુજબ હાલ 75 થી 80 ટકા વાહનમાં ફાસ્ટેગ લાગી છે.

એનએચએઆઈ ફાસ્ટે તમામ રાષ્ટ્રીય રાજમાર્ગના ટોલ ટેક્સ પ્લાઝા, પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, પરિવહન કેન્દ્ર અને પેટ્રોલ પંપ સહિત અન્ય નિર્ધારિત જગ્યાએથી લઈ શકાય છે. નિવેદન અનુસાર ફાસ્ટેગ વેચાણ કેન્દ્રની માહિતી માય ફાસ્ટેગ એપ અથવા www.ihmcl.com કે એનએચ હેલ્પલાઇન નંબર 1033 પર કૉલ કરીને જાણી શકાય છે.

શું છે FASTag

FASTag ટોલ સંગ્રહ માટે પ્રિપેડ રિચાર્જેબલ ટેગ્સ છે. જેમાંથી ટોલ ટેક્સની આપમેળે ચૂકવણી થઈ જાય છે. જેને વાહનની વિંડસ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે. FASTagની મદદથી તમારે ટોલ ટેક્સ પર વાહનને વધારે સમય સુધી લાઇનમાં નહીં ઊભા રહેવું પડે. જેવું વાહન ટોલ પ્લાઝા પાર કરશે કે તરત વિન્ડસ્ક્રીન પર ચોંટાડવાં આવેલા FASTagથી લિંક્ડ બેંક એકાઉન્ટ, પ્રીપેડ વોલેટથી ટોલ કપાઈ જશે.

કેવી રીતે કરે છે કામ

FASTag રેડિયો ફ્રિકવન્સ આઈડેન્ટિફિકેશન (RFID) ટેકનોલોજી પર કામ કરે છે. FASTagની કોઇ એક્સપાયરી ડેટ હોતી નથી. જ્યાં સુધી તે ટોલ પ્લાઝા પર રીડેબલ હોય છે ત્યાં સુધી ઉપયોગ કરી શકાય છે. તેમાં કોઈ છેડછાડ પણ કરી શકાતી નથી. 22 સર્ટિફાઇડ બેંકો, એમેઝોન તથા પેટીએમ જેવી ઇ-કોમર્સ કંપનીઓ પણ તેનું વેચાણ કરી રહી છે.