નવી દિલ્હીઃ ચામાં નશીલો પદાર્થ ભેળવીને મહિલા પોલીસકર્મીનો અશ્લીલ વીડિયો બનાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે, આ વીડિયોની જ્યારે મહિલા પોલીસકર્મીને જાણ થઇ ત્યારે તેને આત્મહત્યા કરી લીધી. આ મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે. પીડિતા પરણીત હતી, અને આ આરોપ તેના ભાઇએ લગાવ્યો છે.


માહિતી પ્રમાણે, મહિલા પોલીસ કર્મીને ચામાં નશીલો પદાર્થ આપ્યા બાદ પોલીસ ટ્રેનર તેને સતત બ્લેકમેઇલ કરતો રહેતો હતો, બાદમાં બુલંદશહેરમાં તૈનાત આ મહિલા પોલીસકર્મી એસઆઇએ આત્મહત્યા કરી લીધી, પોલીસે કેસ નોંધી પોલીસ ટ્રેનિંગ સેન્ટરના એક પોલીસકર્મી પર તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટના પહેલી જાન્યુઆરીની છે, મહિલા એસઆઇએ પોતાના ભાડાના રૂમમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલામાં હવે મહિલા એસઆઇના ભાઇએ ગંભીર આરોપ લગાવ્યો છે, તેને કહ્યું મુરાદાબાદ પીટીસીમાં પોલીસકર્મી પીટીઆઇ ઉમેશ શર્મા તેની બહેનને બ્લેકમેઇલ કરી રહ્યો હતો, આરોપ અનુસાર થોડાક સમય પહેલા જ આરોપી બુલંદશહેર આવ્યો અને એસઆઇને ચા પીવા માટે ઘરે બોલાવી હતી.

આરોપ છે કે તે સમયે ચામાં નશીલો પદાર્થ ભેળવી દેવામાં આવ્યો, આ દરમિયાન તેનો અશ્લીલ વીડિયો ઉતારી દેવામાં આવ્યો હતો. પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા તેની સાથે શારીરિક સંબંધ બનાવતો રહ્યો, એટલુ જ નહીં પરણિત પીડિતાને લગ્નમાંથી છૂટાછેડા લેવા માટે પણ દબાણ કરી રહ્યો હતો. જે દિવસે ઘટના ઘટી તે દિવસે તેને પીડિતા સાથે વાત કરી હતી. પોલીસ હવે ઉમેશ કુમાર વિરુદ્ધ એફઆઇઆર નોંધી લીધી છે.

ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે 28 ડિસેમ્બરે ભાઇની પીડિતા સાથે મુલાકાત થઇ હતી. સાથે તે થોડાક દિવસો બાદ રજાઓ લઇને ઘરે જવાની હતી.