નવી દિલ્હી: 24 ફેબ્રુઆરીના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની બે દિવસની ભારત યાત્રા પર અમદાવાદ પહોંચશે. પ્રધાનમંત્રી મોદી તેમનું સ્વાગત કરશે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 25 ફેબ્રુઆરીએ ટ્રમ્પ અને મેલેનિયા દિલ્હીની મુલાકાતે છે. આ દરમિયાન મેલેનિયા ટ્રમ્પ દિલ્હીની એક સરકારી સ્કૂલની મુલાકાત પણ કરવાના છે. મેલાનિયા ટ્રમ્પ દિલ્હીની એક સરકારી સ્કૂલમાં બાળકો સાથે સમય પસાર કરશે.


સૂત્રોની જાણકારી મુજબ આના માટે અમેરિકી દુતાવાસ દિલ્હી સરકાર સાથે સંપર્કમાં છે. મેલાનિયા ટ્રમ્પ દિલ્હીમાં આદર્શ સરકારી સ્કૂલના બાળકો સાથે સમય પસાર કરશે. આ સ્કૂલ દક્ષિણ દિલ્હી ક્ષેત્રની એ સ્કૂલ માંથી એક છે જેને અરવિંદ કેજરીવાલ પોતાની સફળતા તરીકે દર્શાવે છે. મેલાનિયા ટ્રમ્પના આ કાર્યક્રમ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ તેમની આગેવાની માટે હાજર રહેશે.

મેલેનિયા ટ્રમ્પની આ ખાસ મુલાકાત માટે સ્કૂલમાં દરેક તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ મુલાકાત દક્ષિણી દિલ્હીની સરકારી સ્કૂલમાં આયોજીત કરવામાં આવ્યો છે. અંદાજે 1 કલાક મેલેનિયા ટ્રમ્પ આ સરકારી સ્કૂલમાં પસાર કરશે.

દિલ્હીની કેજરીવાલ સરકારે 2018માં હેપીનેસ ક્લાસની શરૂઆત કરી હતી. આ ક્લાસ નર્સરીથી 8માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે હોય છે. આ ક્લાસનો હેતુ બાળકોને તણાવ મુક્ત કરવાનો હોય છે. આ ક્લાસમાં કોઈ લેખીત પરિક્ષા નથી હોતી. માત્ર બાળકોની ખુશીના ઈન્ડેક્શનનું મુલ્યાંકન કરવામાં આવે છે. સ્કૂલ શરૂ થયા પહેલાં 40 મિનિટનો હેપીનેસ ક્લાસ રાખવામાં આવે છે. તેમાં બાળકોને મેડિટેશન, જ્ઞાનવર્ધક અને નૈતિકતા સંબંધિત વાર્તાઓ સંભળાવવામાં આવે છે.