નવી દિલ્હીઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને JDS નેતા એચડી દેવગૌડા કોરોના પિઝિટિવ આવ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાએ બુધવારે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. એચડી દેવગૌડા ઉપરાંત તેમના પત્ની ચેન્નામાં પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
એચડી દેવગૌડાએ બુધવારે ટ્વીટ કરીને જાણકારી આપતા કહ્યું કે, ‘મારા પત્ની ચેન્નામાં અને હું કોરોના પોઝિટિવ આવ્યા છીએ. અમે બન્ને અને અન્ય પરિવારના સભ્યો સેલ્ફ આઈસોલેટ થઈ ગયા છીએ. હું બધાને અપીલ કરુ છું કે વિતેલા થોડા દિવસમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ ખુદનો ટેસ્ટ કરાવી લે. કોઈપણ પાર્ટી કાર્યકર્તા પેનિક ન કરે.’
નોંઘનીય છે કે, એચડી દેવગૌડાની ઉંમર 87 વર્ષની છે. એચડી દેવગૌડા 1 જૂન 1996થી લઈને 21 એપ્રિલ 1997 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા. ઉપરાંત તેઓ કર્ણાટકના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. હાલમાં તેઓ કર્ણાટકથી જ રાજ્યસભા સાંદ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે બહાર પાડેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સંક્રમણના દૈનિક કેસમાં સામાન્ય ઘટાડા સાથે 53,480 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ દેશમાં સંક્રમણના કુલ કેસ વધીને 1,21,49,335 થઈ ગયા છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે 354 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને કુલ મૃતકઆંક 1,62,468એ પહોંચ્યો છે. આના પહેલા મંગળવારે 271 મૃતકઆંક નોંધાયો હતો ત્યારે એક જ દિવસમાં થયેલો આ વધારો ચિંતાજનક છે.