કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના આ નવા વેરિયંટ જોવા મળી રહ્યા છે. આફ્રિકન અને બ્રાઝિલીયન કોરોનાનો ચેપ ધરાવતા દર્દીઓને હાલ પૂણે સારવારમાં ખસેડાયા છે. હાલ વિશ્વમાં આશરે 44 દેશોમાં દક્ષિણ આફ્રિકન કોરોના વાઇરસ પહોંચી ગયો છે અને હવે તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. નવા વાઇરસના ભારતમાં દર્દીઓની કુલ સંખ્યા 187 પર પહોંચી ગઇ છે, જોકે તેમાંથી કોઇનું મોત નથી નિપજ્યું.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 88.50 લાખ લોકોને રસી આપવામાં આવી છે. લાભાર્થીઓમાં 61 લાખ સ્વાસ્થ્યકર્મીઓને પ્રથમ અને 1.70 લાખને બીજો ડોઝ આપી દેવાયો છે. તેવી જ રીતે 24.57 લાખ ફ્રંટલાઇન વર્કરને પણ રસી આપવામાં આવી છે.
કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા અન્ય રાજ્ય કરતાં ઘણી વધારે છે. આ રાજ્યોમાં દેશના કુલ એક્ટિવ કેસોના 72 ટકા છે. કેરળમાં હાલ 61550 જ્યારે મહારાષ્ટ્રમાં 37,383 એક્ટિવ કેસ છે.