નવી દિલ્હી: સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચા દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભામાં રાહુલ ગાંધીએ ફ્રાન્સ સાથેની રાફેલ ડીલને લઈને સરકાર અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન સાધ્યું હતું. તેની વચ્ચે રાફેલ ડીલ પર થયેલા વિવાદ પર ફ્રાન્સ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. અને ફ્રાન્સે રાહુલ ગાંધીના દાવાનો નકારી દીધો છે. ફ્રાન્સ તરફથી સુરક્ષાની દ્રષ્ટ્રિએ ડીલ સાર્વજનિક નહીં કરવા કહેવામાં આવ્યું છે. ફ્રાન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે બન્ને દેશો વચ્ચે ગુપ્ત કરાર કરવામાં આવ્યો છે. ફ્રાન્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે ભારતીય સંસદમાં રાહુલ ગાંધીના નિવેદન પર ધ્યાન આપ્યું છે.
રાહુલ ગાધીએ કહ્યું હતું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યૂએલ મેક્રોને તેઓને કહ્યું હતું કે રાફેલ જેટ વિમાન ડીલ પર ભારત સાથે તેમની કોઈ પણ ગુપ્ત સમજૂતી થઈ નથી. સાથે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી અને રક્ષા મંત્રીએ આ ડીલ વિશે જનતાનો ખોટું બોલ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારમાં પ્રતિ વિમાનની કિંમત 520 કરોડ રૂપિયા હતી પરંતુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ ગયા અને કોઇ જાદુઇ શક્તિની સાથે પ્રતિ વિમાન તેની કિંમત 1600 કરોડ રૂપિયા થઇ ગઇ.
રાહુલે લોકસભામાં સરકાર પર જોરદાર પ્રહારો કરતા કહ્યું હતું કે, મેં વ્યક્તિગત રીતે ફ્રાન્સના પ્રેસિડેન્ટ સાથે મુલાકાત કરી અને તેમને પુછ્યું કે શું ભારતની સાથે કોઇ ગુપ્ત સમજૂતી થઇ છે? તેઓએ મને કહ્યું કે, આવી કોઇ પણ ગુપ્ત સમજૂતી બંને દેશોની વચ્ચે નથી થઇ.
ફ્રાન્સે વધુમાં કહ્યું કે ફ્રાન્સ અને ભારતની વચ્ચે 2008માં એક સુરક્ષા સમજૂતી થઇ હતી, જેના કારણે બંને દેશ તમામ સેફ્ટી ડિવાઇસના ઓપરેશનલ તથા સુરક્ષા ક્ષમતાઓને પ્રભાવિત કરી શકતી પાર્ટનર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી ગુપ્ત જાણકારીને છૂપાવવા માટે કાયદાકીય રીતે બંધાયેલા છે. આ પ્રાવધાન સ્વાભાવિક રીતે 23 ડિસેમ્બર, 2016ના રોજ થયેલા એ ડીલ ઉપર પણ લાગુ થાય છે, જે 36 રાફેલ વિમાનો તથા તેના હથિયારોની ખરીદી માટે થયો.
જો કે ફ્રાન્સ દ્વાર આપવામાં આવેલા નિવેદન પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો તેઓ ઈચ્છે તો ઈનકાર કરી દે, પરંતુ તેઓએ મારી સામે કહ્યું હતું. હું ત્યાં હતો, ડૉ. મનમોહન સિંહ અને આનંદ શર્મા પણ ત્યાં હતા.