નવી દિલ્હીઃ ભારત-ફ્રાન્સ વચ્ચે થયેલા રાફેલ ફાઇટર પ્લેન કરારમાં એકવાર ફરી ભ્રષ્ટાચારને લઇને વિવાદ પેદા થયો છે. ફ્રાન્સના એક પબ્લિકેશને દાવો કર્યો હતો કે ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિયેશને 36 એરક્રાફ્ટની ડીલ માટે એક વચેટિયાને 7.5 મિલિયન યુરો કમિશન આપવામાં આવ્યું હતું. પબ્લિકેશને દાવો કર્યો હતો કે જેના દસ્તાવેજ હોવા છતાં ભારતીય એજન્સીઓએ આ મામલાની તપાસ શરૂ કરી નહોતી.


ફ્રેન્ચ પોર્ટલે દાવો કર્યો હતો કે આ માટે નકલી બિલ બનાવવામાં આવ્યા. ઓક્ટોબર 2018થી સીબીઆઇ અને ઇડીને આ અંગેની જાણકારી મળી હતી કે દસોલ્ટ એવિયેશને સુરેશ ગુપ્તા નામના વચેટિયાને 7.5 મિલિયન યુરોનું કમિશન આપ્યું હતું. આ બધુ કંપનીએ એટલા માટે કર્યું જેથી ભારત સાથે 36 ફાઇટર જેટની ડીલ પુરી થઇ શકે.


સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સુશેન ગુપ્તાએ દસોલ્ટ એવિયેશન માટે ઇન્ટરમીડિયરી તરીકે કામ કર્યું. સુશેન ગુપ્તાની મોરિશસ સ્થિત કંપની ઇન્ટરસ્ટેલર ટેકનોલોજીસને 2007થી 2012 વચ્ચે દસોલ્ટ તરફથી 7.5 મિલિયન યુરો મળ્યા હતા. મોરિશસ સરકારે 11 ઓક્ટોબર 2018ના રોજ આ સાથે સંબંધિત દસ્તાવેજ સીબીઆઇને સોંપ્યા હતા અને બાદમાં સીબીઆઇએ ઇડીને પણ આ દસ્તાવેજ સોંપ્યા હતા.


રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચાર ઓક્ટોબર 2018ના રોજ રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ મળી હતી અને જેના એક સપ્તાહ બાદ જ સીક્રેટ કમિશનના દસ્તાવેજ પણ મળ્યા હતા. તેમ છતાં સીબીઆઇએ કોઇ રસ દાખવ્યો નહોતો.


રિપોર્ટમાં ખુલાસો કરાયો હતો કે દસોલ્ટે 2001માં સુશેન ગુપ્તાને વચેટિયા તરીકે હાયર કર્યો હતો. જ્યારે ભારત સરકારે ફાઇટલ પ્લેન ખરીદવાની જાહેરાત કરી હતી. જોકે, આ પ્રક્રિયા 2007માં શરૂ થઇ હતી. સુશેન ગુપ્તા અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ સાથે પણ જોડાયેલું હતું. રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે આ મામલામાં એક ભારતીય આઇટી કંપની પણ સામેલ છે. આ કંપનીને એક જૂન 2001માં ઇન્ટરસ્ટેલર ટેકનોલોજી સાથે કરાર કરાયા હતા.