નવી દિલ્હીઃ કેન્દ્રિય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પાકિસ્તાનમાં જતું પાણીને રોકવા પગલા ભરશે. તેમણે કહ્યું કે, સરકારે નિર્ણય કર્યો છે કે સિંધુ જળ સંધિ સિવાય જેટલું પાણી જશે તેને રોકવામાં આવશે. તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયે જે સિંધુ જળ સંધિ થઇ હતી. તેનાથી વધારે ભારતની નદીઓનું પાણી પાકિસ્તાનમાં વહીને જાય છે તેને રોકવામાં આવશે.

શેખાવતે કહ્યું કે, અમે અમારા હકનું પાણી રોકીને ખેડૂતો માટે પોતાના દેશમાં વિજળી પેદા કરવા અને પોતાના દેશના નાગરિકોને પીવાના પાણી માટે ઉપયોગ કરીશું. મને લાગે છે કે આમાં કોઇનો વિરોધ હોવો જોઇએ નહીં. સાથે જ આના પર કોઇ પ્રકારનો સવાલ પણ ઉભો થવો જોઇએ નહીં. તેમણે કહ્યું કે, જળ શક્તિ મંત્રાલયના આ મુદ્દાની જટિલતાઓને જોઇ રહ્યા છે અને જલદી તેને ક્લિયર કરી દેવાશે. આ સાથે જ પાકિસ્તાનમાં જતા પાણીને રોકીને તેનો ઉપયોગ ભારતના વિકાસ માટે કરાશે.

શેખાવતે કહ્યું કે, જે પાણી પાકિસ્તાન જતું હતું તેનો ઉપયોગ હવે ભારતમાં ખેતી અને વિજળી બનાવવા માટે કરવામાં આવશે. જેનાથી જમ્મુ કાશ્મીર, પંજાબ અને અન્ય રાજ્યના લોકોને પાણીનો ફાયદો મળી શકે છે. તે સિવાય શેખાવતે કહ્યું કે, મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને ખત્મ કર્યું છે અને આ ભારતનો આંતરિક મુદ્દો છે. જેમાં પાકિસ્તાનને દખલ કરવાની કોઇ જરૂર નથી.