નવી દિલ્હીઃ ઇડીની કાર્યવાહીમાં ફસાયેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી પી.ચિદંબરમનો પરિવાર લગભગ 175 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. જોકે, તપાસ એજન્સીઓનો આરોપ છે કે તેની વાસ્તવિક સંપત્તિ તેનાથી પણ અનેક ગણી વધુ છે. પી.ચિદંબરમ પર આઇએનએક્સ મીડિયાના ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રેમોશન બોર્ડથી ગેરકાયદેસર રીતે સ્વીકૃતિ આપવા માટે લાંચ લેવાનો આરોપ છે. આ મામલો 2007નો છે જ્યારે ચિદંબરમ દેશના નાણામંત્રી હતા. રાજ્યસભાના ચૂંટણી માટે પી.ચિદંબરમ દ્ધારા જમા એફિડેવિટ અનુસાર તેમની અને તેમની પત્ની પાસે લગભગ 95.66 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમના પર લગભગ 5 કરોડ રૂપિયાની લેણદારી છે. તે મહારાષ્ટ્રથી રાજ્યસભાના સભ્ય છે. જોકે, તેમના દ્ધારા બતાવવામાં આવેલી આ સંપત્તિ ચાર વર્ષ અગાઉ થયેલી રાજ્યસભાની ચૂંટણીની છે. તેમના દીકરા કાર્તિ ચિદંબરમ પોતાની સંપત્તિ 80 કરોડ રૂપિયા જાહેર કરી છે. એટલે કે ચિદંબરમ પરિવાર પાસે લગભગ 175 કરોડ રૂપિયાની જાહેર સંપત્તિ છે.






ચિદંબરમ એક શ્રીમંત પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને દેશના ટોપ વકીલોમાં સામેલ છે. તેમના એક હિયરિંગ ફીસ અનેક લાખ હોય છે. તેમનો જન્મ તમિલનાડુના શિવગંગા જિલ્લાના એક શ્રીમંત વેપારી ચેટ્ટિયાર પરિવારમાં થયો હતો. તેમના નાના ચેટ્ટિનાડના એક ધનવાન બેન્કર હતા. વર્ષ 2014-15માં ચિદંબરમમાં પોતાની વાર્ષિક આવક 8.5 કરોડ રૂપિયા અને પત્નીની આવક 1.25 કરોડ રૂપિયા બતાવી હતી. ચિદંબરમની સંપત્તિમાં લગભગ 5 લાખ રૂપિયાની રોકડ, 25 કરોડ રૂપિયા બેન્કો અને અન્ય સંસ્થાઓમાં જમા 13.47 કરોડ રૂપિયાના શેર, ડિબેન્ચર વગેરેમાં રોકાણ, પોસ્ટ ઓફિસ યોજનાઓમાં લગભગ 35 લાખ રૂપિયા જમા, લગભગ 10 લાખ રૂપિયાની વીમા પોલીસીઓ, લગભગ 27 લાખ રૂપિયાના લક્ઝરી કાર, લગભગ 85 લાખ રૂપિયાની જ્વેલેરી વગેરે સામેલ છે. તેમની સૌથી મોટી ડિપોઝીટ 20 કરોડ રૂપિયાની છે. તે સિવાય તેમના નામે સાત કરોડ રૂપિયાની ખેતીની જમીન, 45 લાખ રૂપિયાની કોમર્શિયલ બિલ્ડિંગ, લગભગ 32 કરોડ રૂપિયાનું મકાન, બ્રિટનના કૈમ્બ્રિજમાં લગભગ 1.5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી સામેલ છે.

સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, ચિદંબરમ અને તેમના દીકરા કાર્તિના નામે વિદેશમાં કુલ 25 પ્રોપર્ટી છે. આ તમામ કંપનીઓ શેલ કંપનીઓના નામે ખરીદી છે. જોકે, ચિદંબરમના વકીલો તેને નિરાધાર બતાવી રહ્યા છે. ઇડીનો આરોપ છે કે કાર્તિ ચિદંબરમના નામે 23 કરોડ રૂપિયાના ખર્ચે સ્પેનના બાર્સિલોનામાં એક ટેનિસ ક્લબ અને બ્રિટનમાં કોર્ટેજ ખરીદી છે. ઇડીએ ચિદંબરમ પરિવારની લગભગ 54 કરોડ રૂપિયાની આ સંપત્તિઓ જપ્ત કરી છે. જેમાં ભારત. બ્રિટન અને સ્પેનમાં આવેલી પ્રોપર્ટી સામેલ છે. કાર્તિ ચિદંબરમ અને તેમની માતાના નામે 16 કરોડ રૂપિયાનો બંગલો છે. ચેન્નઇની એક બેન્ક બ્રાન્ચમાં 90 લાખ રૂપિયાની એફડી છે.